Saturday, July 12, 2025
More

    ‘સિંધુ જળ સંધિ ક્યારેય પુનઃસ્થાપિત નહીં થાય’: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- પાણી માટે તરસી જશે પાકિસ્તાન

    પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારત સરકારે સિંધુ જળ સંધિ (Indus Water Treaty) સ્થગિત કરીને પાકિસ્તાન (Pakistan) સુધી પહોંચતા પાણીને અટકાવવાનું કામ કર્યું છે. આ મામલે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું (Amit Shah) નિવેદન પણ સામે આવ્યું છે. અમિત શાહે કહ્યું છે કે, સિંધુ જળ સંધિ ક્યારેય પુનઃસ્થાપિત નહીં થાય. તેમણે એવું પણ કહ્યું છે કે, પાકિસ્તાન પાણી માટે તરસી જશે, કારણ કે તેણે સંધિની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. હવે ઇસ્લામાબાદને તે પાણી નહીં મળે જે તેને ગેરકાયદે મળતું હતું. 

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે, “સિંધુ જળ સંધિ હવે પુનઃસ્થાપિત નહીં થાય. આંતરરાષ્ટ્રીય સંધિને એક તરફી રદ ન કરી શકાય, પણ અમારી પાસે તેવું કરવાનો અધિકાર હતો, તેથી અમે તેવું કર્યું છે. સંધિની પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે કે, બંને દેશોની શાંતિ અને પ્રગતિ માટે તે સંધિ હતી, પણ હવે તેનું ઉલ્લંઘન થયા બાદ હવે કશું બચ્યું નથી.” 

    તેમણે વધુમાં કહ્યું કે, “અમે તે પાણીનો ઉપયોગ ભારતના હક માટે કરીશું. અમે કેનાલ બનાવીને પાકિસ્તાન તરફ જતાં પાણીને રાજસ્થાન લાવીશું. પાકિસ્તાનને હવે તે પાણી નહીં મળે. પાકિસ્તાન જે પણ કરવાનો પ્રયાસ કરશે, તેના વિરુદ્ધ અમે કોઈપણ વિલંબ વગર કાર્યવાહી કરવામાં સંકોચ નહીં રાખીએ.” વધુમાં તેમણે કાશ્મીરમાં પાકિસ્તાનના શાંતિ ડોળવાના પ્રયાસોની ટીકા પણ કરી હતી.