Saturday, June 21, 2025
More

    ‘2 વર્ષમાં ભારતના રસ્તા થઈ જશે અમેરિકા જેવા’: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન, કહ્યું- દેશભરમાં 57 એક્સપ્રેસ હાઈવેનું નિર્માણ કરવાની યોજના

    કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) જણાવ્યું છે કે, આગામી બે વર્ષમાં ભારતના રસ્તાઓનું માળખું અમેરિકાના રસ્તાઓની સમકક્ષ થઈ જશે. આ નિવેદન તેમણે એક ઇન્ટરવ્યૂમાં આપ્યું હતું, જેમાં તેમણે ભારતના રસ્તાઓની ગુણવત્તા અને વિકાસની ઝડપ પર પ્રકાશ પાડ્યો હતો.

    ગડકરીએ જણાવ્યું કે ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ અગાઉ 16 ટકા હતો, જે ચીનના 8 ટકા અને અમેરિકા તથા યુરોપના 12 ટકાની તુલનામાં ઘણો ઊંચો હતો. ખરાબ રસ્તાઓ, બંદરોની અપૂરતી સુવિધાઓ અને ટ્રાફિકની ભીડને કારણે આ ખર્ચ વધુ હતો. જોકે, સરકારના પ્રયાસોથી આ ખર્ચ હવે 9 ટકા સુધી ઘટાડવામાં આવ્યો છે. આ ઘટાડો દેશની નિકાસ સ્પર્ધાત્મકતા વધારવામાં અને આર્થિક વિકાસમાં મદદરૂપ થયો છે.

    ગડકરીએ એમ પણ જણાવ્યું કે, મોદી સરકાર દેશભરમાં 57 એક્સપ્રેસ હાઈવેનું નિર્માણ કરી રહી છે, જેનો અંદાજિત ખર્ચ ₹10 લાખ કરોડ છે. આ ઉપરાંત, 25,000 કિલોમીટર બે-અને ચાર-લેનના રાજમાર્ગોનું નિર્માણ પણ આયોજનમાં છે. આ પ્રોજેક્ટ્સ દેશના રસ્તાઓની ગુણવત્તા અને કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે. ખાસ કરીને, દિલ્હી-મુંબઈ અને સુરત-ચેન્નાઈ જેવા માર્ગો પર ચાલી રહેલા કામને ઝડપ આપવામાં આવી રહી છે.

    આ ઉપરાંત, ગડકરીએ નવી ટોલ નીતિની જાહેરા પણ કરી છે, જેના હેઠળ ફિઝિકલ ટોલ બૂથ હટાવવામાં આવશે અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટોલ વસૂલવામાં આવશે. તેમણે જણાવ્યું કે ભારતમાં દર વર્ષે 4.8 લાખ રોડ અકસ્માતો થાય છે, જેમાં 1.88 લાખ લોકોના મોત થાય છે, જેમાંથી મોટાભાગના 18થી 45 વર્ષની વયના હોય છે.

    આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે સરકારે ડ્રાઇવર ટ્રેનિંગ સેન્ટર્સ અને વાહન ફિટનેસ સેન્ટર્સ સ્થાપવાની યોજના બનાવી છે. આ ઉપરાંત, અદ્યતન ટેક્નોલોજી જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સ્પીડ કેમેરાનો ઉપયોગ કરીને રોડ સેફ્ટીમાં સુધારો કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.