Saturday, April 19, 2025
More

    કેનેડાના ઓટાવામાં છરાના ઘા ઝીંકીને ભારતીય નાગરિકની હત્યા, શંકાસ્પદની અટકાયત: પીડિત પરિવારના સંપર્કમાં દૂતાવાસ

    કેનેડાના (Canada) ઓટાવા નજીકના રોકલેન્ડ શહેરમાં એક ભારતીય નાગરિકની (Indian National) છરાના ઘા ઝીંકીને હત્યા (Murder) કરી નાખવામાં આવી છે. સ્થાનિક પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. જોકે, હુમલા વિશેની અન્ય કોઈ જાણકારી સામે આવી શકી નથી. આ સાથે જ કેનેડામાં સ્થિત ઇન્ડિયન એમ્બેસીએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

    દૂતાવાસે X પર પોસ્ટ કરીને આ ઘટનાની પુષ્ટિ કરી છે. સાથે એવું પણ કહ્યું છે કે, તેઓ સતત પીડિત પરિવારના સંપર્કમાં છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “ઓટાવા પાસે રોકલેન્ડમાં છરાના ઘા ઝીંકવાથી એક ભારતીય નાગરિકની હત્યાથી અમે ખૂબ દુઃખી છીએ. પોલીસે જણાવ્યું છે કે, શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે.”

    વધુમાં લખાયું છે કે, “અમે સ્થાનિક સામુદાયિક સંઘ દ્વારા પીડિતના પરિજનોને દરેક સંભવ મદદ આપવા માટે સંપર્કમાં છીએ.” CBC ન્યૂઝ અનુસાર, ક્લેરેન્સ-રોકલેન્ડમાં એક વ્યક્તિ મૃત મળી આવી હતી અને બીજાની ધરપકડ કરી લેવામાં આવી હતી. અધિકારીઓએ હજુ સુધી મોતના કારણ વિશે સ્પષ્ટતા કરી નથી. કોઈ ગુનો દાખલ થયો કે નહીં તે વિશે પણ કોઈ માહિતી આપી નથી.