Saturday, February 22, 2025
More

    મેચ ઑસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની, રાષ્ટ્રગીત વાગ્યું ભારતનું: લાહોરમાં રમાતી મેચ દરમિયાન પાકિસ્તાનીઓએ છબરડો વાળ્યો

    પાડોશી દેશ પાકિસ્તાનમાં હાલ ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે. જોકે સુરક્ષા અને પાકિસ્તાન સાથેના સંબંધોને જોતાં ભારતીય ટીમ ત્યાં ગઈ નથી અને પોતાની તમામ મેચ દુબઈમાં રમી રહી છે. જ્યારે બાકીની મેચ પાકિસ્તાનમાં રમાય છે. શનિવારે (22 ફેબ્રુઆરી) અહીં ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે લીગ મેચ રમાઈ, પણ એક એવી ઘટના બની જેના કારણે મેચ ભારતમાં પણ ચર્ચામાં આવી ગઈ. 

    બન્યું એવું કે પાકિસ્તાનના લાહોર સ્થિત ગદ્દાફી સ્ટેડિયમમાં રમાતી ઑસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની મેચની શરૂઆતમાં રાષ્ટ્રગીત વગાડવાનો વારો આવ્યો ત્યારે આ બંને દેશનું નહીં અને ભારતનું રાષ્ટ્રગીત વાગ્યું. 

    સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં મેચ પહેલાં ‘જન…ગણ…..મન’ શરૂ થઈ જાય છે. ‘ભારત ભાગ્ય વિધાતા…’ સુધી પહોંચે ત્યારે આયોજકોને ખ્યાલ આવે છે કે આ તો ભારતનું રાષ્ટ્રગીત છે. ત્યારબાદ અચાનક અટકાવી દેવામાં આવે છે અને સ્ટેડિયમમાં પણ બૂમાબૂમ શરૂ થઈ જાય છે. 

    આ ઘટનાની હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 

    ઉલ્લેખનીય છે કે 23 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ માટે એકબીજા સામે ટકરાશે. ભારત હાલ ટેબલમાં બીજા સ્થાને છે. પાકિસ્તાન અંતિમ સ્થાને. બંને ટીમ એક-એક મેચ રમી ચૂકી છે. ભારતે જીતી લીધી હતી, પાકિસ્તાનની હાર થઈ. હવે 23મીએ બંને ફરી એકબીજા સામે ટકરાશે.