Monday, March 10, 2025
More

    ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બન્યો ‘ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024’: સર ગારફીલ્ડ એવોર્ડ મેળવનાર પાંચમો ભારતીય ખેલાડી

    ભારતીય બોલર જસપ્રીત બુમરાહને (Jasprit Bumrah) ICC એવોર્ડમાં ICC પુરૂષ ક્રિકેટર ઓફ ધ યર માટે પ્રતિષ્ઠિત સર ગારફીલ્ડ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ તેમને વર્ષ 2024માં તેમના શાનદાર પ્રદર્શનના કારણે મળ્યો છે. વર્ષ 2024માં, તેમણે ભારતને T20 વર્લ્ડ કપ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ટેસ્ટ ક્રિકેટમાં પણ અજાયબીઓ કરી હતી.

    નોંધનીય છે કે, બુમરાહ પહેલાં આ એવોર્ડ રાહુલ દ્રવિડ (2004), સચિન તેંડુલકર (2010), રવિચંદ્રન અશ્વિન (2016) અને વિરાટ કોહલીને (2017, 2018) મળી ચૂક્યો છે. તેઓ આ એવોર્ડ મેળવનારા પાંચમા ભારતીય ક્રિકેટર બન્યા છે.

    જસપ્રીત બુમરાહ ICC ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર છે. આ ઉપરાંત, તેમણે વર્ષ 2024 માટે ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો હતો. આ અંગે ICCએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી જાહેરાત કરી હતી.

    જેમાં લખ્યું હતું કે, “2024 ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર માટે સર ગારફીલ્ડ સોબર્સ ટ્રોફી જીતનાર જસપ્રીત બુમરાહ માટે આ એક અવિસ્મરણીય વર્ષ હતું.” નોંધનીય છે કે, આ એવોર્ડ માટે જસપ્રીત બુમરાહ, જો રૂટ, હેરી બ્રુક અને ટ્રેવિસ હેડને નોમિનેટેડ કરવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદમાં આયોજિત કોલ્ડપ્લેના કોન્સર્ટમાં બેન્ડના મેન વોકલિસ્ટ ક્રીસ માર્ટીને બુમરાહની ખૂબ પ્રશંસા પણ કરી હતી. નોંધનીય છે કે, બુમરાહે 8.26ની અવિશ્વસનીય સરેરાશ અને માત્ર 4.17ના ઇકોનોમી રેટથી 15 વિકેટ લીધી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ મળ્યો હતો.

    ફાસ્ટ બોલર બુમરાહે માત્ર 13 મેચોમાં 71 ટેસ્ટ વિકેટ લીધી હતી, જે 2024માં કોઈપણ બોલરની સરખામણીમાં સૌથી વધુ છે, તથા એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનાર કપિલ દેવ પછી બુમરાહ બીજા સ્થાને છે.

    બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યા બાદ, બુમરાહે વર્ષના અંતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન પણ ઘણી ઉંચાઈઓ હાંસલ કરી હતી. 5 ટેસ્ટમાં 32 વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ જીત્યો હતો.