Thursday, July 10, 2025
More

    ઈરાન બાદ હવે ઇઝરાયેલથી પણ ‘ઑપરેશન સિંધુ’ હેઠળ ભારતીય નાગરિકોને પરત લાવશે સરકાર

    ઈરાન બાદ હવે ભારત સરકાર ‘ઑપરેશન સિંધુ’ હેઠળ ઇઝરાયેલથી પોતાના નાગરિકોને પરત લાવવાની શરૂઆત કરી છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે (19 જૂન) ઘોષણા કરી કે ઇઝરાયેલમાં રહેતા જે ભારતીય નાગરિકો દેશ પાછા ફરવા માંગે છે તેમને ‘ઑપરેશન સિંધુ’ હેઠળ પરત લાવવામાં આવશે. 

    વિદેશ મંત્રાલય અનુસાર, “ઇઝરાયેલ અને ઈરાનની વર્તમાન પરિસ્થિતિઓને જોતાં ભારત સરકારે ઇઝરાયેલથી જે નાગરિકો પરત આવવા માંગે છે તેમને લાવવા માટે નિર્ણય કર્યો છે. ઇઝરાયેલથી જમીની સરહદ સુધી અને ત્યાંથી હવાઈ માર્ગે ભારત લાવવા સુધીની તમામ વ્યવસ્થા ભારત સરકાર કરશે.”

    આ માટે તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી નંબરો અને મેઇલ પણ જાહેર કરવામાં આવ્યા છે.  

    મંત્રાલયે આગળ તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને ઇઝરાયેલી સરકાર અને સેના દ્વારા જારી કરવામાં આવેલી તમામ સેફ્ટી ગાઇડલાઇનો અનુસરવા માટે જણાવ્યું હતું. 

    પ્રેસ રિલીઝમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, “ભારત સરકાર વિદેશમાં રહેતા નાગરિકોની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ મહત્ત્વ આપી રહી છે. સરકાર પરિસ્થિતિ પર સતત નિયંત્રણ રાખતી રહેશે. દૂતાવાસ ભારતીય સમુદાય સાથે સતત સંપર્કમાં રહીને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા માટે તત્પર રહેશે.”