Monday, July 14, 2025
More

    સરકારે જાહેર કર્યું વસ્તી ગણતરી માટેનું સત્તાવાર નોટિફિકેશન: બર્ફીલા પ્રદેશોમાં 2026માં જ્યારે બાકીના રાજ્યોમાં 2027માં થશે જનગણના

    15 જૂન, 2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) નવી દિલ્હીમાં 2027ની ભારતની વસ્તી ગણતરીની (Census) તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ સચિવ, રજિસ્ટ્રાર જનરલ અને ભારતના વસ્તી ગણતરી કમિશનર તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ 16 જૂને સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન (Gazette Notification) બહાર પાડવામાં આવ્યું છે.

    જેમાં ઉલ્લેખ છે કે, ભારતની આગામી વસ્તી ગણતરી વર્ષ 2027 દરમિયાન હાથ ધરવામાં આવશે. નોટિફિકેશ અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડ રાજ્યોમાં બરફથી ઢંકાયેલા પ્રદેશોને ધ્યાનમાં રાખીને ત્યાં 1 ઓક્ટોબર 2026થી વસ્તી ગણતરી શરૂ થશે.

    જ્યારે બાકીના રાજ્યોમાં 1 માર્ચ 2027થી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે. આ ગણતરી ડિજિટલ રીતે મોબાઇલ એપ્લિકેશન્સના માધ્યમથી હાથ ધરવામાં આવશે, જેમાં આશરે 34 લાખ ગણતરીકારો અને સુપરવાઇઝર્સ તેમજ 1.3 લાખ વસ્તી ગણતરી કર્મચારીઓ સામેલ હશે.

    નાગરિકોને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સ્વ-ગણતરીનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે. ડેટા સંગ્રહ, ટ્રાન્સમિશન અને સ્ટોરેજ દરમિયાન ડેટા સુરક્ષા માટે કડક પ્રોટોકોલ્સ લાગુ કરવામાં આવશે. આ વસ્તી ગણતરી, જે ભારતની 16મી અને સ્વતંત્રતા પછીની આઠમી ગણતરી હશે, તેમાં પ્રથમ વખત જાતિ ગણતરીનો સમાવેશ કરવામાં આવશે.

    વસ્તી ગણતરી બે તબક્કામાં થશે: પ્રથમ, હાઉસિંગ લિસ્ટિંગ ઓપરેશન (HLO), જેમાં ઘરની સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓનો ડેટા એકત્ર કરવામાં આવશે, અને બીજો, વસ્તી ગણતરી (PE), જેમાં વસ્તી વિષયક, સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને જાતિ સંબંધિત વિગતો એકત્ર કરવામાં આવશે. અંતિમ વસ્તી ડેટા ડિસેમ્બર 2027 સુધીમાં પ્રકાશિત થવાની અપેક્ષા છે.