ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. જેને લઈને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ BBCIએ સ્પષ્ટતા કરી દીધી છે કે આ ટૂર્નામેન્ટ રમવા માટે ભારતીય ટીમ પાકિસ્તાન જશે નહીં. આ મામલે BCCIએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને (PCB) સત્તાવાર રીતે જાણકારી પણ આપી દીધી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ મામલે એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે BCCI ઈચ્છે છે કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં નહીં પરંતુ દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમે. BCCIએ મેચ દુબઈમાં યોજવા માટે આગ્રહ કર્યો છે. BCCIએ ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં ન મોકલવા પાછળ સુરક્ષાનું કારણ આપ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે PCBએ પણ તૈયારી દર્શાવી છે અને ભારતીય ક્રિકેટ ટીમની તમામ મેચ દુબઈ કે શારજાહમાં યોજાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થનાર છે. આ માટે આગામી 11 નવેમ્બરના રોજ શિડ્યુલ જાહેર કરવામાં આવી શકે છે. જ્યારથી ICCએ આ ટૂર્નામેન્ટના હોસ્ટ તરીકે પાકિસ્તાનને જવાબદારી સોંપી હતી ત્યારથી શંકા હતી કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે કેમ, આખરે સત્તાવાર રીતે સ્ટેન્ડ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.