Sunday, July 13, 2025
More

    વણસેલા સંબંધો વચ્ચે બાંગ્લાદેશ નહીં જાય ભારતીય ક્રિકેટ ટીમ: આગામી સિરીઝ રદ થવાનાં અહેવાલ

    ભારત અને બાંગ્લાદેશના બગડેલા રાજદ્વારી સબંધો વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે, ભારતીય પુરુષ ક્રિકેટ ટીમનો (Indian cricket team) આગામી બાંગ્લાદેશ (Bangladesh) પ્રવાસ સંભવિત રીતે રદ કરી દેવામાં આવ્યો છે. મીડિયાને સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ઓગસ્ટમાં બંને દેશો વચ્ચે રમાનાર 6 મેચની વ્હાઈટ-બોલ સીરીઝ રદ દેવામાં આવી છે. જોકે, આ વાતની સત્તાવર પુષ્ટિ હજુ કરવામાં આવી નથી.

    મળતી માહિતી મુજબ ભારત અને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ વચ્ચે આગામી 17થી 31 ઓગસ્ટ સુધી વ્હાઈટ-બોલ સીરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને ટીમો વચ્ચે 3 વનડે, 3 ટી-20 એમ કુલ 6 મેચનો મુકાબલો થવાનો હતો. બંને ટીમો દ્વારા આ સીરીઝ માટેની પૂર્વ તૈયારીઓ પણ થઇ ચુકી હતી, પરંતુ વર્તમાનમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા રાજનીતિક સંઘર્ષના કારણે અમુક મીડિયા અહેવાલોમાં કહેવાઈ રહ્યું છે કે આ સીરીઝ હવે રદ કરવામાં આવી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) સીરીઝના મીડિયા પ્રસારણના અધિકારોના વેચાણને પણ સ્થગિત કરી દીધું છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) બંને દ્વારા આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

    ઉલ્લેખનીય છે હાલ બાંગ્લાદેશમાં સત્તા-પરિવર્તનની સ્થિતિ બાદ બંને દેશો વચ્ચેના સબંધો સારા નથી, જેથી ભારત સરકારે સુરક્ષાને ધ્યાને રાખી BCCIને આગામી સીરીઝ સ્થગિત રાખવાની સલાહ આપી હતી. જે પછી સીરીઝ રદ થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.