Wednesday, June 25, 2025
More

    ‘ગુસ્સો નહીં, લાવા હતો, બદલાની ભાવના નહીં, ન્યાય હતો’: ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂરનો નવો વિડીયો શેર કર્યો

    ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂરનો એક નવો વિડીયો બહાર પાડ્યો છે. 54 સેકન્ડના આ ટૂંકા વિડીયોમાં પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલા પછી ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદીઓ અને સેનાને કઈ રીતે પાઠ ભણાવ્યો તે દર્શાવ્યું છે. 

    વિડીયોમાં શિવતાંડવ સ્ત્રોતમનું સંગીત વાગે છે. ત્યારબાદ ભારતીય સેનાના જવાનો હાથમાં શસ્ત્રો લઈને સજ્જ થઈને ઉભેલા જોવા મળે છે. 

    એક જવાન કહે છે, “આ શરૂઆત પહલગામ આતંકવાદી હુમલાથી થઈ. ગુસ્સો ન હતો, લાવા હતો. મગજમાં માત્ર એક જ વાત હતી– આ વખતે પાઠ એવો ભણાવીશું કે તેમની પેઢીઓ યાદ કરે. આ બદલાની ભાવના નહીં, ન્યાય હતો.”

    ત્યારબાદ અમુક દ્રશ્યોમાં જવાનોએ કઈ રીતે કાર્યવાહી કરીને પાકિસ્તાનની ચોકીઓ ફૂંકી મારી હતી તે દર્શાવવામાં આવ્યું છે. 

    સેનાએ જણાવ્યું કે, 9 મેની રાત્રે પાકિસ્તાન તરફથી જે ચોકીએથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તેને માટીમાં મેળવી દેવામાં આવી. આ કાર્યવાહી બાદ પાકિસ્તાનીઓ પોતાની પોસ્ટ છોડીને ભાગી ગયા હતા.  

    જવાન આગળ કહે છે, “ઑપરેશન સિંદૂર માત્ર એક કાર્યવાહી ન હતી, પાકિસ્તાન માટે એવો પાઠ હતો, જે તેણે દાયકાઓથી શીખ્યો ન હતો.”

    વિડીયો ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડ દ્વારા પોતાના X અકાઉન્ટ પરથી સાર્વજનિક કરવામાં આવ્યો.