Sunday, February 23, 2025
More

    પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત, કોહલીની સદી સામે ન ટકી શકી ‘પાક. ટીમ’

    આજે (23 ફેબ્રુઆરી) ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, ભારતીય ટીમ પાકિસ્તાન સામે ટકરાઈ હતી. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવામાં આવી હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. ભારતની જીતનો હીરો વિરાટ કોહલી છે, જેણે અણનમ સદી ફટકારી હતી. કોહલીએ ખુશદિલ શાહની બોલિંગમાં ફોર ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી અને ભારતને વિજય પણ અપાવ્યો હતો.

    કોહલીએ 111 બોલમાં 100 રન બનાવીને ઇતિહાસ રચી દીધો છે. મેચમાં પાકિસ્તાને ભારતને જીત માટે 242 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા ભારતે 6 વિકેટે જીત મેળવી લીધી છે. વિરાટ કોહલીએ વનડેમાં 51મી સદી ફટકારી છે.

    ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 100, શ્રેયસ અય્યરે 56 અને શુભમન ગિલે 46 રન બનાવ્યા. કુલદીપ યાદવે 3 અને હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે 62 અને મોહમ્મદ રિઝવાને 46 રન બનાવ્યા. શાહીન શાહ આફ્રિદીએ 2 વિકેટ લીધી. અબરાર અહેમદ અને ખુશદિલ શાહે 1-1 વિકેટ લીધી.

    વિરાટ 158 કેચ સાથે વન-ડેમાં સૌથી વધુ કેચ લેનાર ભારતીય બન્યો. તેણે ઇનિંગ્સમાં 15મો રન બનાવતાની સાથે જ સૌથી ઝડપી 14,000 ODI રન પણ પૂરા કર્યા. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા નંબરનો ટોપ સ્કોરર પણ બન્યો. તેણે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો, જેમના નામે 27,483 રન છે.