Tuesday, July 15, 2025
More

    ભારત જ નહીં, સરકાર શ્રીલંકા અને નેપાળના નાગરિકોને પણ ઈરાનથી સુરક્ષિત પરત લાવશે: બંને દેશોની વિનંતી પર નિર્ણય 

    ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલતા સંઘર્ષ વચ્ચે ભારત સરકારે આ બંને દેશોમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ઑપરેશન સિંધુ (Operation Sindhu) લૉન્ચ કર્યું છે. હવે જાણકારી મળી રહી છે કે આ ઑપરેશન હેઠળ માત્ર ભારતીય નાગરિકોને જ નહીં પરંતુ નેપાળી અને શ્રીલંકન નાગરિકોને પણ પરત લાવવામાં આવશે. 

    ભારત સરકારે શનિવારે (21 જૂન) ઘોષણા કરતાં કહ્યું કે ઑપરેશન સિંધુ હેઠળ પાડોશી દેશો શ્રીલંકા અને નેપાળના નાગરિકોને પણ આવરી લેવામાં આવશે. બંને દેશોએ ભારત સરકારને ઔપચારિક વિનંતી કરી હતી, જેને માન્ય રાખવમાં આવી છે. 

    ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે એક્સ પર એક પોસ્ટ કરીને લખ્યું કે, “નેપાળ અને શ્રીલંકાની સરકારની વિનંતીઓ પર ઈરાનમાં ભારતીય દૂતાવાસના ઑપરેશનમાં નેપાળ અને શ્રીલંકાના નાગરિકોને પણ આવરી લેવામાં આવશે.” આ માટે હેલ્પલાઈન નંબરો પણ જારી કરવામાં આવ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે ભારત સરકારે અગાઉની જેમ જ આ વખતે પણ કપરી સ્થિતિમાં પોતાના નાગરિકોને પરત લાવવા માટે કોઈ કસર બાકી રાખી નથી. ઑપરેશન સિંધુ તેનું જ ઉદાહરણ છે. સાથે દેશે પાડોશી ધર્મ પણ નિભાવી જાણ્યો છે. ભૂતકાળમાં પણ યુક્રેન યુદ્ધ દરમિયાન ભારત સરકારે પાડોશી દેશોના વિદ્યાર્થીઓને મદદ પૂરી પાડી હતી.