Wednesday, April 9, 2025
More

    ભારતીય નૌસેનાની શક્તિમાં થશે વધારો: વધુ 26 રાફેલ ફાઈટર જેટ ખરીદવા ફ્રાન્સ સાથે કર્યો ₹63,000 કરોડથી વધુનો સોદો, આગામી સમયમાં થઈ શકે હસ્તાક્ષર

    ભારતે ફ્રાન્સ (France) પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ (26 Rafale Marine Fighter Jet) ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. ₹63,000 કરોડથી વધુના આ સરકારી સોદા પર ટૂંક સમયમાં હસ્તાક્ષર થઈ શકે છે. આ સોદા હેઠળ, ભારતીય નૌકાદળને 22 સિંગલ-સીટર અને ચાર ટ્વીન-સીટર વિમાન મળશે.

    આ સોદો ભારતીય વાયુસેનાના રાફેલ વિમાનોની ક્ષમતાઓને અપગ્રેડ કરવામાં પણ મદદ કરશે. રાફેલ-એમ જેટને ભારતીય નૌકાદળના વિમાનોના કાફલામાં સામેલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારત પાસે પહેલાથી જ અંબાલા અને હાશીમારામાં ભારતીય વાયુસેના (IAF) બેઝ પર 36 રાફેલ જેટ છે.

    ANIના અહેવાલ અનુસાર આ સોદામાં ઓફસેટ જવાબદારીઓ હેઠળ કાફલાની જાળવણી, લોજિસ્ટિક્સ સપોર્ટ, કર્મચારીઓની તાલીમ અને સ્વદેશી ઉત્પાદન ઘટકો માટે એક વ્યાપક પેકેજનો પણ સમાવેશ થશે.

    અહેવાલ મુજબ, રાફેલ એમ જેટની ડિલિવરી તેના ફ્રેન્ચ સમકક્ષ સાથેના કરારના લગભગ પાંચ વર્ષ પછી શરૂ થવાની ધારણા છે. આ ફાઇટર જેટ ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે.