Thursday, March 13, 2025
More

    ભારતે લાંબા અંતરની હાયપરસોનિક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ: સંરક્ષણ મંત્રીએ ગણાવી ઐતિહાસિક ક્ષણ

    સંરક્ષણ ક્ષેત્રમાં ભારત સતત આગળ વધતું જોવા મળી રહ્યું છે. ‘આકાશતીર પ્રોજેક્ટ’ બાદ હવે રવિવારે (17 નવેમ્બર) ભારતે પ્રથમ વખત લાંબા અંતરની હાયપરસોનિક મિસાઇલનું (Hypersonic Missile) સફળ પરીક્ષણ (Successful Testing) કર્યું છે. આ દેશ માટે એક મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે. ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર આ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

    સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આ વિશેની માહિતી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, “આ ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ હતી. આ મહત્વની સિદ્ધિએ આપણાં દેશને એવા દેશોના જૂથમાં સામેલ કર્યો છે કે, જેઓ આવી મહત્વપૂર્ણ અને અદ્યતન સૈન્ય તકનિકોની ક્ષમતા ધરાવે છે.”

    હાયપરસોનિક મિસાઇલ સંપૂર્ણપણે સ્વદેશી છે, જેને ‘ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન’ (DRDO) દ્વારા વિકસાવવામાં આવી છે. હાયપરસોનિક મિસાઇલ ભારતીય સશસ્ત્રદળોની તમામ સેવાઓ માટે 1500 કિલોમીટરની અદભૂત રેન્જમાં વિવિધ પેલોડ વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ મિસાઇલને ડૉ. APJ અબ્દુલ કલામ મિસાઇલ કોમ્પ્લેકસ, હૈદરાબાદની પ્રયોગશાળાઓ અને અન્ય વિવિધ DRDO પ્રયોગશાળાઓ અને ઉદ્યોગ ભાગીદારી દ્વારા વિકસાવવામાં આવી છે.