Wednesday, April 9, 2025
More

    યુનુસે પૂર્વોત્તર અંગે કરેલી ટિપ્પણી અંગે બાંગ્લાદેશને ભારતનો વળતો જવાબ: બંધ કરી ટ્રાન્સશિપમેન્ટ સુવિધા

    બાંગ્લાદેશની (Bangladesh) વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે (Muhammad Yunus) ગયા મહિને ચીનની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ભારતના ઉત્તર-પૂર્વ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો જમીનથી ઘેરાયેલા છે અને સમુદ્ર સુધી તેમનો એકમાત્ર પ્રવેશ બાંગ્લાદેશ થઈને છે. ત્યારે હવે ભારતે યુનુસની આ ટિપ્પણીનો જડબાતોડ જવાબ આપ્યો છે.

    ભારતે બાંગ્લાદેશને આપવામાં આવતી ટ્રાન્સશિપમેન્ટ (Transhipment) સુવિધા સમાપ્ત કરી દીધી છે. આનાથી બાંગ્લાદેશના ભૂટાન, નેપાળ અને મ્યાનમાર સાથેના વેપાર પર અસર પડી શકે છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સે (CBIC) આ સંદર્ભમાં એક પરિપત્ર જારી કર્યો છે.

    આ પરિપત્રમાં બોર્ડે 29 જૂન, 2020ના પોતાના જૂના આદેશને રદ્દ કર્યો છે. તેમાં, બાંગ્લાદેશથી આવતા માલને ભારત દ્વારા અન્ય દેશોમાં મોકલવાની મંજૂરી આપવામાં આવી હતી. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) કહે છે કે નવા ઓર્ડર પછી તરત જ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. જોકે, જે માલ ભારતમાં આવી ચૂક્યો છે તેને જૂના નિયમો મુજબ બહાર જવાની મંજૂરી આપવામાં આવશે.