Tuesday, June 24, 2025
More

    ‘સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન પાકિસ્તાને પોતે કર્યું, અમારી ઉપર દોષ ન નાખે’: ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદી દેશને લગાવી ફટકાર

    સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના ભારતના નિર્ણય બાદ ફફડી ઉઠેલું પાકિસ્તાન હવે આંતરરાષ્ટ્રીય મંચો પર જઈને બળાપો કાઢી રહ્યું છે. આવા જ એક પ્રયાસ બદલ ભારતે યુએનની એક પરિષદમાં પાકિસ્તાનને ફટકાર લગાવી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે વાસ્તવમાં સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરનાર દેશ પાકિસ્તાન છે, જેણે વર્ષો સુધી સરહદ પારના આતંકવાદની મદદથી ભારતમાં અરાજકતા સર્જવાના પ્રયાસ કર્યા. 

    તજાકિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ યોજાયેલી ગ્લેશિયર કૉન્ફરન્સમાં પાકિસ્તાને સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેની ઉપર પછીથી ભારત તરફથી વિદેશ, પર્યાવરણ, વન વિભાગના રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે જવાબ રજૂ કર્યો. 

    ભારતે સ્પષ્ટ કર્યું કે વાસ્તવમાં તો આ કૉન્ફરન્સમાં સિંધુ જળ સંધિની કોઈ ચર્ચાનું ઔચિત્ય જ નથી, તેમ છતાં પાકિસ્તાન જાણીજોઈને તેનો ઉલ્લેખ કરી રહ્યું છે. 

    કીર્તિવર્ધન સિંહે કહ્યું કે, “આ હિમાલયન ગ્લેશિયરોમાંથી જ અમારી મહત્ત્વપૂર્ણ નદીઓ જેમકે ગંગા, બ્રહ્મપુત્ર, સિંધુ વહે છે. એ વાતમાં કોઈ શંકા નથી કે સિંધુ જળ સંધિ અમલમાં આવ્યા બાદ સંજોગોમાં અનેક મૂળભૂત ફેરફારો થયા છે અને તેના કારણે સંધિના કરારોની પુનઃસમીક્ષા કરવાની જરૂર પડી હતી.”

    તેમણે ઉમેર્યું કે, “સંધિના આમુખમાં જ કહેવામાં આવ્યું છે કે આ કરાર એક મિત્રતા અને સદભાવનો સંકેત છે. જો સંધિ ચાલુ રાખવી હોય તો આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. પરંતુ પાકિસ્તાન તરફથી ચાલતા આતંકવાદને કારણે સંધિનું ઉલ્લંઘન થયું. જ્યારે પાકિસ્તાને પોતે જ ઉલ્લંઘન કર્યું હોય તો તેનો દોષ ભારત પર નાખવાનું બંધ કરી દેવું જોઈએ.”

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ જ કૉન્ફરન્સમાં બોલતી વખતે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતને દોષ આપતાં કહ્યું હતું કે તેઓ સિંધુ જળ સંધિ સ્થગિત કરીને લાખો લોકોના જીવનને અસર થવા દેશે નહીં.