Monday, March 24, 2025
More

    ‘તે આંતરરાષ્ટ્રીય ભીખ પર જીવે છે…’: UNHRCની બેઠકમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા જતા પાકિસ્તાનને ભારતે લગાવી ફટકાર

    ભારતે (Bharat) ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને (Pakistan) જોરદાર ફટકાર લગાવી છે. સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવામાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની (UNHRC) બેઠકમાં પાકિસ્તાને કાશ્મીરનો (Kashmir) મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જ દરમિયાન ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી હતી.

    UNHRCના 58માં સત્રની 7મી બેઠકમાં પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભારતીય અધિકારી ક્ષિતિજ ત્યાગીએ કહ્યું, “પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં માનવાધિકારોનું ઉલ્લંઘન, લઘુમતીઓ પર જુલમ અને લોકશાહી મૂલ્યોથી વિપરીત જવું એ તેમની નીતિઓ બની ગઈ છે.”

    તેમણે આગળ કહ્યું કે, “પાકિસ્તાન યુએન દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓને આશ્રય આપે છે, પાકિસ્તાન કોઈને ઉપદેશ આપવાની સ્થિતિમાં નથી.” તેમણે વધુમાં કહ્યું કે, “એ જોઈને દુઃખ થાય છે કે પાકિસ્તાનના નેતાઓ અને પ્રતિનિધિઓ તેમના લશ્કરી-આતંકવાદીઓ દ્વારા પોષાયેલા જુઠ્ઠાણા ફેલાવે છે.”

    ક્ષિતિજે પાકિસ્તાનને ફટકારતા કહ્યું કે, “પાકિસ્તાન OICની મજાક ઉડાવી રહ્યું છે. તેનો દુરુપયોગ પોતાના મુખપત્ર તરીકે કરી રહ્યું છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે આ પરિષદનો સમય એક નિષ્ફળ રાષ્ટ્ર દ્વારા બગાડવામાં આવી રહ્યો છે જે પોતે અસ્થિર છે અને આંતરરાષ્ટ્રીય ભીખ પર ટકી રહ્યો છે.”