Thursday, July 10, 2025
More

    વઝીરિસ્તાનમાં થયેલા આત્મઘાતી હુમલાનો આરોપ ભારત પર લગાવી રહ્યું હતું પાકિસ્તાન, વિદેશ મંત્રાલયે લગાવી ફટકાર 

    પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સેના પર આત્મઘાતી હુમલો થયા બાદ આદત અનુસાર પાડોશી આતંકવાદી દેશે આરોપો ભારત પર લગાવી દીધા હતા. આ મુદ્દે હવે ભારત સરકારે કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. 

    વિદેશ મંત્રાલયે રવિવારે (29 જૂન) એક નિવેદનમાં જણાવ્યું કે સરકાર પાકિસ્તાનની આ કરતૂતોને સંપૂર્ણપણે નકારી કાઢે છે. 

    અધિકારીક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, “28 જૂનના રોજ વઝીરિસ્તાનમાં થયેલા હુમલાનો દોષ ભારત પર આપતું પાકિસ્તાની સેનાનું સત્તાવાર નિવેદન અમારા ધ્યાને આવ્યું છે. તેને જેટલા તિરસ્કારથી વખોડવામાં આવવું જોઈએ એટલા જ તિરસ્કારથી અમે નકારી કાઢીએ છીએ.”

    ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જ્યારે-જ્યારે પાકિસ્તાનમાં કશુંક થયું છે ત્યારે જોયા-જાણ્યા વગર આતંકી દેશે તેનો આરોપ ભારત પર જ લગાવી દીધો છે. 

    વઝીરિસ્તાનના હુમલાની વાત કરવામાં આવે તો 28 જૂનના રોજ સેનાના એક વાહન પર વિસ્ફોટકો ભરેલી કાર અથડાવવામાં આવી હતી, જેમાં 16 સૈનિકોનાં મોત થયાં અને 20થી વધુ ઈજા પામ્યા હતા. હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને લીધી હતી, જે અગાઉ પણ આ પ્રાંતમાં હુમલાઓને અંજામ આપી ચૂક્યું છે.