Monday, June 23, 2025
More

    ‘જે દેશ નાગરિકો અને આતંકવાદીઓ વચ્ચે ફેર ન સમજી શકતો હોય તેને નાગરિક સુરક્ષા મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી’: ભારતે ફરી એક વખત UNના મંચ પરથી પાખંડી પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું

    સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ભારતે ફરી એક વખત પાકિસ્તાનની કરતૂતો અને વૈશ્વિક મંચ પર ચલાવવામાં આવતાં જૂઠાણાંની પોલ ખોલી છે. ભારતના પ્રતિનિધિએ સુરક્ષા પરિષદની એક ચર્ચામાં કહ્યું કે જે દેશ આતંકવાદીઓ અને નાગરિકોમાં ફેર ન સમજી શકતો હોય તેને નાગરિકોની સુરક્ષા મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી. 

    ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશ પી.એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં બોલતાં કહ્યું કે, “ભારતે દાયકાઓથી તેની સરહદ પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો સામનો કર્યો છે. આવો દેશ નાગરિકોની સુરક્ષાના મુદ્દે ચર્ચામાં ભાગ લે એ પણ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે અત્યંત આપત્તિજનક બાબત છે. જે દેશ નાગરિકો અને આતંકવાદીઓમાં ફેર ન સમજી શકતો હોય તેને નાગરિક સુરક્ષા મુદ્દે બોલવાનો લેશમાત્ર અધિકાર નથી.”

    ત્યારબાદ તેમણે પાકિસ્તાનની કરતૂતોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, “આ જ મહિને પાકિસ્તાનની સેનાએ અમારાં સરહદી ગામડાંઓમાં જાણીજોઈને ગોળીબાર અને તોપમારો કર્યો હતો, જેમાં 20થી વધુ નાગરિકો માર્યા ગયા અને 80થી વધુને ઈજા પહોંચી. એટલું જ નહીં, ગુરુદ્વારા, મંદિર, કોન્વેન્ટ સહિતનાં પ્રાર્થનાસ્થળો ઉપરાંત સ્વાસ્થ્ય સુવિધાઓને પણ નિશાન બનાવવામાં આવી. આવાં કારસ્તાનો કરીને અહીં આવીને સલાહ આપવી એ બીજું કશું જ નહીં પરંતુ પાખંડ છે.”