Tuesday, March 18, 2025
More

    PM મોદી સાથેની મુલાકાતમાં ‘જરૂરી મુદ્દા’ ઉઠાવ્યા હોવાનો કેનેડિયન PM ટ્રુડોનો દાવો, ભારતે કહ્યું- કોઈ ઠોસ ચર્ચા ન થઈ, કેનેડા પહેલાં ખાલિસ્તાનીઓ સામે કાર્યવાહી કરે

    તાજેતરમાં લાઓસમાં યોજાયેલી ASEAN સમિટ દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ PM મોદી સાથેની મુલાકાતમાં પોતે ‘કેનેડિયનોની સુરક્ષા’નો મુદ્દો ઉઠાવ્યો હોવાનો દાવો કર્યો હતો. જેને ભારત સરકારે સદંતર નકારી દીધો છે. 

    શુક્રવારે એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધતાં ટ્રુડોએ કહ્યું હતું કે, લાઓસમાં તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટૂંકી મુલાકાત થઈ હતી અને તેમાં તેમણે અમુક બાબતો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, “મેં ભારપૂર્વક કહ્યું હતું કે અમુક મુદ્દાઓનો ઉકેલ લાવવો પડશે.”

    તેમણે કહ્યું હતું કે, “હું વિગતોમાં નહીં પડું પરંતુ હું ઘણી વખત કહી ચૂક્યો છું કે કેનેડિયનોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી એ કોઈ પણ કેનેડિયન સરકારની પ્રાથમિક જવાબદારી છે અને અમે તેની ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખીશું.” તેમનો સ્પષ્ટ સંકેત હરદીપ નિજ્જર પ્રકરણ પર હતો. 

    હવે ભારત સરકારે ટ્રુડોના આ દાવાઓને નકારી દીધા છે અને કહ્યું કે, બે નેતાઓની મુલાકાત થઈ હતી, પરંતુ કોઈ ઠોસ ચર્ચા થઈ ન હતી. 

    સાથે ભારતે કહ્યું કે, “અમે આશા રાખીએ છીએ કે ભારતવિરોધી ખાલિસ્તાની પ્રવૃત્તિઓ ચલાવવા માટે કેનેડાની ધરતીનો ઉપયોગ ન થાય અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેનો હમણાં સુધી અભાવ જોવા મળ્યો છે.”