ભારતે કેનેડા સાથે ચાલી રહેલા વિવાદમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ભારતે પોતાના કેનેડાના હાઈ કમિશનરને પરત બોલાવી લીધા છે અને તે સાથે જ રાજદ્વારી અધિકારીઓને પણ પરત બોલાવી લેવાનો નિર્ણય કર્યો છે. એ પહેલાં વિદેશ મંત્રાલયે કેનેડિયન રાજદૂતને સમન્સ પાઠવ્યા હતા. ભારત તરફથી કહેવાયું છે કે, દેશને ટ્રુડો સરકાર પર ભરોસો નથી.
હરદીપ સિંઘ નિજ્જર હત્યા કેસમાં કેનેડાની તાજેતરની કાર્યવાહી પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આજે જ કેનેડાના રાજદ્વારીઓને બોલાવ્યા હતા. આ બેઠક બાદ ભારતે કેનેડામાંથી પોતાના રાજદ્વારીઓને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રુડો સરકારે તેની તાજેતરની તપાસમાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માને ‘પર્સન ઑફ ઈન્ટરસ્ટ’ તરીકે જોડ્યા હતા, જેના પર ભારતે કડક કાર્યવાહી કરી છે.
ગયા વર્ષે પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર કોઈ પુરાવા વિના નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે ભારતે નિજ્જરની હત્યા કરાવી છે. ભારત સતત તેના પુરાવા માંગી રહ્યું છે, પરંતુ ટ્રુડો સરકારે હજુ સુધી કોઈ પુરાવા રજૂ કર્યા નથી.