Tuesday, June 24, 2025
More

    બાંગ્લાદેશથી આવતા અમુક માલ-સામાનની આયાત પર ભારત સરકારે મૂક્યાં નિયંત્રણો, ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે લાદ્યા પ્રતિબંધો

    પાડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તાપલટા અને હિંદુઓના નરસંહાર બાદ વણસેલા સંબંધો વચ્ચે ભારત સરકારે શનિવારે (17 મે) બંને દેશો વચ્ચે થતા વેપાર પર અમુક નવાં નિયંત્રણો લાદ્યાં છે. આ બાબતની જાણકારી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ દ્વારા આપવામાં આવી. 

    સરકારે જણાવ્યું કે, 17 મેથી બાંગ્લાદેશથી આવતાં રેડીમેડ ગારમેન્ટ ભારતના કોઈ પણ લેન્ડ પોર્ટ પર ઈમ્પોર્ટ કરી શકાશે નહીં. માત્ર ન્હાવા શેવા (મુંબઈ) અને કોલકાતા સમુદ્રી બંદર પર જ તેની આયાતને પરવાનગી આપવામાં આવશે. 

    આ સિવાય પૂર્વોત્તરના રાજ્યોમાં થતી આયાત પર પર નિયંત્રણ મૂકાયાં છે. જે અનુસાર, ફળો, ફળોનાં ફ્લેવરનાં કાર્બોનેટેડ ડ્રિંક, પ્રોસેસ્ડ ફૂડ આઈટમ, કોટન, કોટન યાર્ન વેસ્ટ, પ્લાસ્ટિક અને PVC સામાન, ડાય, વુડન ફર્નિચર વગેરે આસામ, મેઘાલય, ત્રિપુરા કે મિઝોરમના કોઈ પણ લેન્ડ કસ્ટમ સ્ટેશન, ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ તેમજ બંગાળના ફુલબાડી અને ચંગ્રબંધા લેન્ડ કસ્ટમ સ્ટેશન પર આયાત કરી શકાશે નહીં. 

    જોકે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ નિયંત્રણો બાંગ્લાદેશથી આયાત કરવામાં આવતાં મત્સ્ય, LPG, એડિબલ ઓઇલ અને ક્રશ્ડ સ્ટોન પર લાગુ થશે નહીં. ઉપરાંત, આ નિયમો માત્ર ભારત માટે છે. ભારત થઈને જે સામાન નેપાળ અને ભૂટાન જાય છે તે યથાવત, કોઈ ફેરફાર વગર ચાલુ જ રહેશે.