સીરિયામાં ફરી સ્થિતિ વણસતાં ભારત સરકારે પોતાના નાગરિકો માટે એક એડવાઇઝરી બહાર પાડીને હાલ ત્યાં યાત્રા ન કરવા માટે જણાવ્યું છે અને જેઓ ત્યાં છે તેમને વહેલામાં વહેલી તકે દેશ છોડી દેવા અથવા પૂરેપૂરી સાવચેતી રાખવા માટે પણ સૂચના આપી છે.
શનિવારે (7 ડિસેમ્બર) મધ્ય રાત્રિએ આ બાબતે વિદેશ મંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે, “સીરિયામાં જે સ્થિતિ સર્જાઈ રહી છે, તેને જોતાં ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી સીરિયાની યાત્રા ન કરવા માટે સલાહ આપવામાં આવે છે.”
Travel advisory for Syria:https://t.co/bOnSP3tS03 pic.twitter.com/zg1AH7n6RB
— Randhir Jaiswal (@MEAIndia) December 6, 2024
આગળ કહેવામાં આવ્યું કે, “જેમના માટે શક્ય હોય તેઓ વહેલામાં વહેલી તકે કમર્શિયલ ફ્લાઇટ્સ પકડીને દેશ છોડી દે એ સલાહભર્યું છે. બાકીનાને પૂરેપૂરી સાવચેતી રાખવા માટે અને તેમની સુરક્ષાનું ધ્યાન રાખવા માટે વિનંતી કરવામાં આવે છે.”
જોકે, સીરિયામાં ભારતીય નાગરિકોની સંખ્યા ઘણી ઓછી છે. સરકારી આંકડા મુજબ ત્યાં 90 ભારતીય નાગરિકો રહે છે, જેમાંથી 14 સંયુક્ત રાષ્ટ્રનાં જુદાં-જુદાં સંગઠનોમાં કામ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે એક દાયકાથી ગૃહયુદ્ધનો સામનો કરતા સીરિયામાં તાજેતરમાં ફરી સ્થિતિ વણસી હતી. જેહાદી સમૂહોએ ફરી હુમલાઓ કરવા માંડ્યા છે અને શહેરો કબજે કરતા જાય છે. ગૃહયુદ્ધ ફરી ચરમ પર પહોંચે એવી સ્થિતિ વચ્ચે ભારતે આ એડવાઇઝરી જાહેર કરી છે.