આગામી નાણાંકીય વર્ષ 2026માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 6.5 ટકાથી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. મૂડીઝે બુધવારે (12 માર્ચ) જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ફુગાવો પણ ઘટતો જોવા મળશે અને વર્ષ 2026માં ભારતની GDP 6.5 ટકાના ગ્રોથ રેટને પણ વટાવી જશે.
એજન્સીએ આ વૃદ્ધિનો શ્રેય સરકારી મૂડી ખર્ચમાં વધારો, કરમાં ઘટાડો અને વ્યાજ દરોમાં ઘટાડા જેવા નિર્ણયોને આપ્યો છે. મૂડીઝના રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારતનું અર્થતંત્ર ચક્રીય મંદીમાંથી બહાર આવવા માટે તૈયાર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025-26માં નવી કર વ્યવસ્થા હેઠળ મહત્વપૂર્ણ રાહત આપી છે.
જેમાં 12 લાખ સુધીની આવક ધરાવતા લોકોને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણયના કારણે ખર્ચમાં વધારો થવાની અને આર્થિક વિસ્તારમાં યોગદાન વધવાની સંભાવના જોવા મળી રહી છે. નોંધવા જેવું છે કે, નાણાકીય વર્ષ 2025માં ભારતની GDP 6.3 ટકાથી વધુ છે, આગામી વર્ષમાં GDP ગ્રોથ 6.3%થી 6.8% સુધી વધવાની શક્યતા છે.