Monday, March 31, 2025
More

    1200 હોર્સપાવરની ક્ષમતા, 110 KM પ્રતિ કલાકની ટોપ સ્પીડથી ટ્રાયલ અને બીજું ઘણું…: જીંદ-સોનીપત રૂટ પર દોડશે દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન

    દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન (Hydrogen Train) આજે (31 માર્ચ, 2025) હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર દોડશે. આ પર્યાવરણને અનુકૂળ ટ્રેનનું ઉત્પાદન ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ખાતે કરવામાં આવ્યું છે. આ 89 કિમી લાંબા રૂટ પર આજથી તેનું ટ્રાયલ (Trial) શરૂ થઈ રહ્યું છે. આગામી 3 દિવસ સુધી તેનું ટ્રાયલ થશે.

    રેલવે મંત્રાલયે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત ટ્રેનોના ઉત્પાદન માટે ₹2,800 કરોડ ફાળવ્યા હતા, જે હેઠળ આવી 35 ટ્રેનો તૈયાર કરવામાં આવી રહી છે. 8 કોચવાળી અને 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી આ હાઇડ્રોજન ટ્રેન વિશ્વની સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેનોમાંની એક હશે. 1200 હોર્સપાવરની ક્ષમતા ધરાવતી આ ટ્રેન એક સમયે 2638 મુસાફરોને લઈ જઈ શકશે.

    જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીન પછી ભારત હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનો ચલાવનાર વિશ્વનો પાંચમો દેશ બનશે. આ ટ્રેનો માટે હાઇડ્રોજનનું ઉત્પાદન હરિયાણાના જીંદમાં 1 મેગાવોટ પોલિમર ઇલેક્ટ્રોલાઇટ મેમ્બ્રેન (PEM) ઇલેક્ટ્રોલાઇઝર દ્વારા કરવામાં આવશે.

    ગ્રીન ટેકનોલોજી પર આધારિત આ ટ્રેન કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને શૂન્ય કાર્બન લક્ષ્ય તરફ આગળ વધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ટ્રાયલ દરમિયાન ટ્રેનની ટેકનિકલ ક્ષમતા અને સલામતીના ધોરણોનું મૂલ્યાંકન કરવામાં આવશે. સફળ પરીક્ષણ પછી તેને નિયમિત ઉપયોગમાં લાવવાનું આયોજન છે.

    અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરાશે

    વધુમાં, હેરિટેજ રૂટ પર હાઇડ્રોજન સંબંધિત માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹600 કરોડ અલગ રાખવામાં આવ્યા છે. હાઇડ્રોજન ટ્રેન અન્ય ટ્રેનોથી અલગ છે કારણ કે તે સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત છે. તે એક નવા બળતણ સ્ત્રોત (હાઇડ્રોજન) અને ટેકનોલોજીનો (ફ્યુઅલ સેલ) ઉપયોગ કરે છે. જે પર્યાવરણને અનુકૂળ છે.

    હાઇડ્રોજન ટ્રેનમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલ હોય છે, જે હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજનની રાસાયણિક પ્રતિક્રિયાથી વીજળી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયામાં ફક્ત પાણી (H₂O) અને ઉર્જા ઉત્પન્ન થાય છે, જે તેને પર્યાવરણ માટે ખૂબ જ સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવે છે.

    આ સુવિધામાંથી પ્રતિદિન લગભગ 430 કિલો હાઇડ્રોજન પ્રોડક્શનની અપેક્ષા છે. જીંદમાં 3,000 કિલોગ્રામ હાઇડ્રોજન સ્ટોરેજ સિસ્ટમ, હાઇડ્રોજન કોમ્પ્રેસર અને પ્રી-કૂલર ઇન્ટિગ્રેશન સાથેના બે હાઇડ્રોજન ડિસ્પેન્સર પણ બનાવવામાં આવ્યા છે, જેથી ટ્રેનમાં સુરક્ષિત રીતે ઇંધણ ભરાઈ શકે.