વૈશ્વિક સંકટો અને યુદ્ધો વચ્ચે પણ ભારતે સૌથી વધુ ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને આગામી નાણાકીય વર્ષમાં પણ એ જ ઝડપથી વિકાસ થતો રહેશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા IMF (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ) દ્વારા તાજેતરમાં એક રિપોર્ટમાં આ બાબત જણાવવામાં આવી છે, જેમાં 2025-26માં GDP ગ્રોથ 6.5% રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
IMFએ કહ્યું કે, ભારત મજબૂત ખાનગી રોકાણ અને વ્યાપક આર્થિક સ્થિરતાના જોરે આ ઉપલબ્ધિઓ મેળવી શકશે. સાથે એમ પણ જણાવ્યું કે આ મજબૂત આર્થિક પ્રદર્શનના કારણે દેશને 2047 સુધીમાં એડવાન્સ ઈકોનોમી બનવાની મહત્વાકાંક્ષાને સાકાર કરવા માટે અમુક મહત્વપૂર્ણ અને પડકારજનક માળખાગત સુધારા કરવાનો પણ અવસર મળશે.
નિવેદનમાં IMFએ ખાનગી રોકાણ અને રોજગારને પ્રોત્સાહન આપવા અને વિકાસને ગતિ આપવા માટે અમુક સંરચનાત્મક સુધારાઓ પર વધુ કામ કરવાની જરૂર હોવાનું પણ જણાવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે, ઉચ્ચ ગુણવત્તાવાળી નોકરીઓનું સર્જન કરવા, રોકાણને પ્રોત્સાહન આપવા માટે અને હાયર પોટેન્શિયલ ગ્રોથ વધારવા માટે અમુક વ્યાપક સંરચનાત્મક સુધારાઓ મહત્વપૂર્ણ છે. સાથે ભાર હ્યુમન કેપિટલ મજબૂત કરવા પર અને લેબર ફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર હોવો જોઈએ એમ પણ જણાવવામાં આવ્યું. જે દિશામાં સરકાર પ્રયાસો કરી રહી છે. સંસ્થાએ જણાવ્યું કે તાજેતરમાં અમુક ઢીલ મૂકવામાં આવ્યા છતાં ભારતની આર્થિક વૃદ્ધિ મજબૂત છે.