Monday, June 23, 2025
More

    પાકિસ્તાની હાઈકમિશનના વધુ એક અધિકારી પર ભારત સરકારની ગાજ, 24 કલાકમાં દેશ છોડવાનો આપ્યો આદેશ: અગાઉ ISI એજન્ટ દાનિશને હાંકી કઢાયો હતો

    ભારત સરકારે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈકમિશનના (Pakistan High Commission) વધુ એક અધિકારીને પર્સોના નોન ગ્રેટા (persona non grata) જાહેર કર્યો છે. તેને 24 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, પાકિસ્તાન હાઈકમિશનને વાંધા પત્ર મોકલીને ચેતવણી પણ આપવામાં આવી છે.

    વિદેશ મંત્રાલયે (MEA) તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનમાં ફરજ બજાવતા એક પાકિસ્તાની અધિકારીને ભારતમાં તેમના સત્તાવાર દરજ્જા સાથે સુસંગત વર્તન ન કરવા બદલ પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો છે. અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડી દેવાનું કહેવામાં આવ્યું છે.”

    વધુમાં કહેવામાં આવ્યું છે કે, “આ અંગે આજે પાકિસ્તાન હાઈકમિશનના ચાર્જ ડી’અફેર્સને વિરોધ પત્ર જારી કરવામાં આવ્યો હતો. તેમને ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું હતું કે ભારતમાં કોઈપણ પાકિસ્તાની રાજદ્વારી કે અધિકારી તેમના વિશેષાધિકારો અને પદનો કોઈપણ રીતે દુરુપયોગ ન કરે.”

    આ પહેલા 13 મે, 2025ના રોજ, પાકિસ્તાન હાઈકમિશનમાં કામ કરતા એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશને જાસૂસીના આરોપસર પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન કરવામાં આવી હતી.