Sunday, March 16, 2025
More

    ‘સખત કાર્યવાહી કરવામાં આવે’: ભારતે કેલિફોર્નિયાના હિંદુ મંદિરમાં થયેલી તોડફોડની કરી આકરી ટીકા, ગણાવ્યું ધૃણાસ્પદ કૃત્ય

    અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત BAPS હિંદુ મંદિરમાં થયેલી તોડફોડ અને આપત્તિજનક નારા મામલે હવે વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભારતે આ ઘટનાની આકરી ટીકા કરી છે અને આ કૃત્યમાં સામેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની માહિતી પણ આપી છે.

    તેમણે કહ્યું છે કે, “અમે કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં એક હિંદુ મંદિરમાં તોડફોડ મામલેનો રિપોર્ટ જોયો છે. અમે આ રીતના ધૃણાસ્પદ કૃત્યની આકરા શબ્દોમાં ટીકા કરીએ છીએ.” વધુમાં તેમણે કહ્યું કે, “અમે સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓને આ કૃત્ય માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા અને ધાર્મિક સ્થળોની પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કરીએ છીએ.”

    નોંધનીય છે કે, BAPS સ્વામિનારાયણ સંસ્થાના કેલિફોર્નિયાના ચીનો હિલ્સ સ્થિત મંદિરે તોડફોડ કરવામાં આવી અને આપત્તિજનક સંદેશા લખવામાં આવ્યા હતા. મંદિરની દીવાલો પર PM મોદી અને ભારતવિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા. આ કૃત્યને લઈને અમેરિકન હિંદુઓ પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આ કૃત્ય પાછળ ખાલિસ્તાન સમર્થકોનો હાથ હોવાની અટકળો ચાલી રહી છે.