પાંચ વર્ષ સુધી બંધ રહ્યા બાદ હિંદુઓ માટે અતિપવિત્ર કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થવા જઈ રહી છે. આ નિર્ણય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીના ચીન પ્રવાસ દરમિયાન લેવામાં આવ્યો છે. તેઓ ચીનના બે દિવસના પ્રવાસે છે અને તેમણે ત્યાના વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરી છે. આ બેઠક બાદ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા સોમવારે આ યાત્રા પુનઃ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, “જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ગત ઓકટોબર મહિનામાં કઝાનમાં થયેલી બેઠકમાં સહમતી બની હતી, બંને પક્ષે ભારત-ચીન સંબંધોની સ્થિતિની સમીક્ષા કરી અને વર્તમાન સંબંધોને સ્થિર અને મજબુત બનાવવા કેટલાક જન-કેન્દ્રિત નિર્ણયો લેવા પર સહમતી વ્યક્ત કરવામાં આવી હતી.”
મંત્રાલયનું કહેવું છે કે, આગામી ઉનાળામાં બંને દેશોએ કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા પર સહમતી બનાવી છે. આ માટે વર્તમાન સંધિઓ અંતર્ગત જરૂરી વ્યવસ્થાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, બંને દેશોએ હાઇડ્રોલોજિક ડેટાના આદાનપ્રદાનને ફરી શરૂ કરવા માટે વિશેષજ્ઞ સ્તરની ખાસ બેઠક બોલાવવાનું પણ નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશોએ પોતાના પરસ્પર સંબંધો સુધારવા માટે મીડિયા અને વિચાર મંચોને પ્રોત્સાહિત કરવાની યોજના બનાવી છે. બીજી તરફ કૈલાશ માનસરોવર યાત્રાને લઈને સીધી હવાઈ સેવા ફરી શરૂ કરવા માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. બહુ જ જલદી બંને દેશોની ટેકનિકલ ટીમની સત્તાવાર બેઠક થશે અને એક નવું માળખું તૈયાર કરવામાં આવશે. ટૂંક સમયમાં જ યાત્રાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવશે.