LAC કરાર થયા બાદ હવે ભારત અને ચીનની સેનાઓ (India-China Armies) વિવાદિત સ્થાનેથી પાછળ હટી ગઈ છે. આ ‘ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા’ (Disengagement) ઘણા દિવસોથી ચાલતી હતી અને હવે પૂર્ણ થઈ ગઈ છે. બંને સેનાઓ ફરી એ સ્થાને આવી ગઈ છે, જ્યાં 2020માં ગલવાન ક્ષેત્રમાં વિવાદ થયા પહેલાં હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ સમગ્ર પ્રકિયાનું નિરીક્ષણ બંને તરફના બ્રિગ્રેડિયર રેન્કના અધિકારીઓ કરી રહ્યા છે. યોગ્ય રીતે કામગીરી થઈ રહી છે કે કેમ તેની ખરાઈ કરવા માટે બંને તરફથી ડ્રોનથી ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે.
આ વિસ્તારોમાંથી બંને દેશોની સેનાઓએ તંબૂઓ, સૈન્ય ઠેકાણાં અને અન્ય અસ્થાયી બાંધકામો હટાવી લીધાં છે અને પેટ્રોલિંગ માટે માર્ગ મોકળો બનાવ્યો છે.
પ્રકિયા પૂર્ણ થઈ ગયા બાદ 31 ઑક્ટોબરના રોજ ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે એક ઔપચારિક બેઠક મળશે અને અહીં મીઠાઈઓની આપ-લે કરીને સુલેહ અને શાંતિનો સંદેશ આપવામાં આવશે. 31 ઑક્ટોબરે જ ભારતમાં દિવાળી પણ છે.
ત્યારબાદ બંને તરફની સેનાઓ નિયમિત રીતે LAC (વાસ્તવિક નિયંત્રણ રેખા)નું પેટ્રોલિંગ કરતી રહેશે.