Monday, February 24, 2025
More

    પાલઘરની ફાર્માસ્યુટિકલ કંપનીની દવાઓ આફ્રિકન દેશોમાં લગાવતી હતી લત: ભારતે તેમની 2 પેઇનકિલર પર લગાવ્યો પ્રતિબંધ

    ભારતે બે અત્યંત વ્યસનકારક પીડાનાશક (addictive painkillers) દવાઓના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે. બીબીસીના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે મહારાષ્ટ્રના પાલઘરમાં (Palghar) સ્થિત એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની કેટલાક આફ્રિકન દેશોમાં આ દવાઓની નિકાસમાં સામેલ હતી, જેના કારણે ત્યાં આરોગ્ય સંકટ સર્જાયું હતું. ભારતના ડ્રગ્સ અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ડૉ. રાજીવ સિંહ રઘુવંશીએ શુક્રવારે (21 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે બે દવાઓ – ટેપેન્ટાડોલ અને કેરીસોપ્રોડોલ (tapentadol and carisoprodol) – ના ઉત્પાદન અને નિકાસ માટેની પરવાનગી પાછી ખેંચી લેવામાં આવી છે.

    આ નિર્ણય બીબીસીના એક તપાસ અહેવાલ બાદ લેવામાં આવ્યો છે, જેમાં ખુલાસો થયો હતો કે એવિયો ફાર્માસ્યુટિકલ્સ નામની એક ભારતીય ફાર્માસ્યુટિકલ (Aveo Pharmaceuticals) કંપની ઘાના, નાઇજીરીયા અને કોટ ડી’આઇવોર જેવા દેશોમાં બે દવાઓના મિશ્રણની નિકાસ કરી રહી છે. અહેવાલ મુજબ, આ સંયોજન દવાના કારણે તે દેશોમાં ગંભીર ઓપીઓઇડ વ્યસન થયું હતું. ટેપેન્ટાડોલ એક મજબૂત ઓપીઓઇડ છે અને તેનો ઉપયોગ ગંભીર પીડામાં રાહત માટે થાય છે, જ્યારે કેરીસોપ્રોડોલ એક સ્નાયુ આરામ આપતી દવા છે જેનો ઉપયોગ ગંભીર કિસ્સાઓમાં અથવા પીડાદાયક હાડકાની સ્થિતિઓમાં થાય છે.

    તપાસમાં જાણવા મળ્યું કે એવિયો ફાર્માસ્યુટિકલ્સ કોઈપણ મંજૂરી વિના બે દવાઓના મિશ્રણ તરીકે ટેફ્રોડોલ બ્રાન્ડનું ઉત્પાદન કરી રહી હતી. બીબીસી ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં, કંપનીના અધિકારીઓએ સ્વીકાર્યું કે તેઓ નાઇજીરીયા અને અન્ય આફ્રિકન દેશોમાં યુવાઓને ડ્રગ વેચવા માટે નિશાન બનાવતા હતા.

    જોકે આ દવા નાઇજીરીયા, ઘાના, કોટ ડી’આઇવોર વગેરે દેશોમાં અલગ અલગ બ્રાન્ડ નામો હેઠળ વેચાય છે, તેમ છતાં તે એવિયો ફાર્માસ્યુટિકલ્સથી સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે.