Monday, July 14, 2025
More

    પાકિસ્તાની યુટ્યુબ ચેનલ્સ-સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ભારતમાં ફરી થયા બેન, ટૂંકા સમય માટે ચાલુ જોવા મળતા ભડક્યા હતા ભારતીયો: ટેકનિકલ ગ્લીચના કારણે આમ થયું હોવાનો દાવો

    પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે (Indian Government) કડક પગલા લેતા પાકિસ્તાનના (Pakistan) કલાકારો, નેતાઓ અને ઘૃણા ફેલાવતી ન્યુઝ ચેનલોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ (banned) મુક્યો હતો. જે પછી આ પ્રકારના તમામ એકાઉન્ટ્સ ભારતમાં દેખાવાના બંધ થઇ ગયા હતા. યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીએ સરકારે આ નિર્ણય લીધી હતો, ત્યારે ગઈકાલે (2 જુલાઈ) અચાનક ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બેન થયેલા અમુક એકાઉન્ટ્સ ફરીથી એક્ટિવ દેખાયા હતા. જે પછી ભારતીય નેટીઝન્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

    અહેવાલો મુજબ સોશિયલ મીડિયામાં બેન થયેલા માવરા હોકેન, યુમના ઝૈદી, દાનિશ તૈમૂર અને અન્ય સેલિબ્રિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ભારતમાં ફરીથી એક્ટિવ દેખાયા હતા. જે પછી ચર્ચા જાગી હતી કે, શું સરકારે બેન હટાવી લીધો છે! જોકે, ત્યાર બાદ થોડા જ કલાકોમાં એક્ટિવ થયેલા તમામ હેન્ડ્લ્સ ફરી દેખાવાના બંધ થઇ ગયા હતા. અહેવાલો અનુસાર માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા બોલાવવામાં આવેલી એક બેઠક બાદ આ મોટું પગલું લેવામાં આવ્યું છે. જોકે, આ બાબતે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે, કોઈ ટેકનિકલ ગ્લીચના કારણે આ શક્ય બન્યું હોવું જોઈએ.

    આ મામલે ભારતીય યુઝર્સ ભડકયા હતા. ‘મિસ્ટર સિન્હા’નામના X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી હતી કે, “X પર પાકિસ્તાની એકાઉન્ટ્સ ફરીથી બેન કરવામાં આવ્યા છે. અન્ય પ્લેટફોર્મ પર તેમને બેન કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને થોડા કલાકોમાં તે ફરી બેન થઈ શકે છે. સરકારી સૂત્રો કહે છે કે તે એક ટેકનિકલ ગ્લીચ હતી. કારણ ગમે તે હોય, હું ખુશ છું કે તેમના પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે..”