Wednesday, June 18, 2025
More

    ‘જો અમેરિકા તહવ્વુર રાણાને સોંપી શકે છે, તો પાકિસ્તાન હાફિઝ સઈદ-લખવીને કેમ ન સોંપી શકે?’: ઇઝરાયલમાં ભારતના રાજદૂતે આતંકી દેશને લીધું આડેહાથે

    ઇઝરાયલમાં ભારતના રાજદૂત (India’s Ambassador to Israel) જેપી સિંઘે (JP Singh) એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ઑપરેશન સિંદૂર (Operation Sindoor) હજુ સમાપ્ત નથી થયું, માત્ર તેને રોકવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જો અમેરિકા 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને (Tahawwur Rana) ભારતને પરત સોંપી શકે છે તો પાકિસ્તાન તેના દેશમાં હાજર હાફિઝ સઈદ, લખવી અને સાજિદ મીર (Hafiz Saeed, Lakhvi and Sajid Mir) જેવા આતંકવાદીઓને કેમ ન સોંપી શકે.

    જેપી સિંઘે કહ્યું કે ઇસ્લામાબાદે તાત્કાલિક મુખ્ય આતંકવાદીઓને ભારતને સોંપી દેવા જોઈએ. પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આતંકવાદીઓએ પહલગામમાં 26 નિર્દોષ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા, ત્યારબાદ ભારતે આતંકવાદીઓ સામે આ કાર્યવાહી કરી હતી.

    ઇઝરાયલમાં ભારતના રાજદૂત જેપી સિંઘે જણાવ્યું હતું કે, “ભારત આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે અને અમારી નીતિ સ્પષ્ટ છે. જ્યાં સુધી આતંકવાદીઓ અને તેમના માળખા જીવંત રહેશે, ત્યાં સુધી ભારત કાર્યવાહી ચાલુ રાખશે”.

    તેઓએ આગળ કહ્યું હતું કે જ્યારે અમેરિકાએ મુંબઈમાં 26/11ના હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારતને સોંપ્યો. આવી સ્થિતિમાં પાકિસ્તાને પણ અમેરિકાને અનુસરવું જોઈએ અને હાફિઝ સઈદ, ઝકીઉર રહેમાન લખવી, સાજિદ મીર જેવા આતંકવાદીઓને ભારતને સોંપવા જોઈએ. તેઓ પાકિસ્તાનમાં છુપાયેલા છે અને દિવસ-રાત ભારતમાં આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડતા રહે છે. ભારતે આ લોકો સાથે સંબંધિત પુરાવા, ડોઝિયર્સ અને અન્ય દસ્તાવેજો પાકિસ્તાન સાથે ઘણી વખત શેર કર્યા છે.