Monday, March 17, 2025
More

    ઈમરાન ખાન, પત્ની બુશરા બીબી ભ્રષ્ટાચારના કેસમાં દોષી: પૂર્વ પાક. પીએમને 14 વર્ષની જેલની સજા

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચારના એક કેસમાં ત્યાંની કોર્ટે જેલની સજા સંભળાવી છે. જેમાં ઇમરાન ખાન 14 વર્ષ જેલની સજા કાપશે, જ્યારે બુશરા બીબીને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. 

    ઇમરાન ખાન ઑગસ્ટ, 2023થી અન્ય કેસમાં જેલમાં બંધ છે. જ્યારે પત્ની બુશરા બહાર હતી, જેને કસ્ટડીમાં લઈ લેવામાં આવી છે. ઈમરાનના વકીલોનું કહેવું છે કે તેઓ આદેશને ઉપરની કોર્ટમાં પડકારશે. 

    આ કેસ ખાન દંપતી દ્વારા સ્થાપિત અલ-કાદિર ટ્રસ્ટ સંબંધિત ભ્રષ્ટાચારને લગતો છે. બંને પર આરોપ છે કે ઈમરાન ખાન જ્યારે સત્તામાં હતા ત્યારે માની લોન્ડરિંગના બદલામાં તેમણે એક રિયલ એસ્ટેટ વ્યવસાયી પાસેથી જમીન ભેટમાં મેળવી હતી. 

    આ મામલે પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) દ્વારા ડિસેમ્બર, 2023માં ઇમરાન ખાન અને બુશરા બીબી તેમજ અન્ય છ સામે રાષ્ટ્રીય ખજાનાને 190 મિલિયન પાઉન્ડ (પાકિસ્તાનના 50 બિલિયન)નું નુકસાન પહોંચાડવા મામલે કેસ દાખલ કર્યો હતો. બાકીના તમામ આરોપીઓ વિદેશમાં છે, એટલે કેસ ખાન દંપતી સામે જ ચાલ્યો, જેમાં બંનેને દોષી ઠેરવવામાં આવ્યા છે.