Thursday, April 24, 2025
More

    સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના ઘર પર ચાલી શકે બુલડોઝર, માપણી માટે પહોંચી ટીમ: સંભલ હિંસા મામલે પોલીસ કરશે પૂછપરછ, અગાઉ પકડાઈ હતી વીજચોરી

    સંભલ હિંસાના આરોપી (Sambhal Violence)  અને સમાજવાદી પાર્ટીના Samajwadi Party સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના (Zia ur Rehman Barq)  ઘરે રેગ્યુલેટેડ એરિયા અને પીડબ્લ્યુડીના જુનિયર એન્જિનિયર ગેરકાયદેસર બાંધકામના કેસની તપાસ કરવા પહોંચ્યા હતા. તેમનું નિવાસસ્થાન દીપા સરાય સ્થિત આવેલું છે.

    આ મામલે 11 ડિસેમ્બર, 2024ના રોજ નોટિસ જારી કરવામાં આવી હતી. જેમાં સંભલ ડેઝિગ્નેટેડ ઓથોરિટી/સબ-ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રેગ્યુલેટેડ એરિયાએ જણાવ્યું હતું કે સાંસદના નિવાસસ્થાનમાં પરવાનગી વિના અને નકશો પાસ કર્યા વિના બાંધકામ કરવામાં આવ્યું છે. જે ઉત્તર પ્રદેશ રેગ્યુલેશન ઓફ બિલ્ડીંગ ઓપરેશન એક્ટ 1958નું ઉલ્લંઘન છે.

    ત્યારે 24 માર્ચે જે ભાગને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે તે માપવામાં આવ્યો હતો. તેનો રિપોર્ટ SDMને આપવામાં આવશે. ત્યારપછી, ગેરકાયદેસર બાંધકામ કેસમાં કાર્યવાહી આગળ વધશે. આ કેસમાં બે સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેથી સ્પષ્ટ થાય કે કેટલું ગેરકાયદે બાંધકામ થયું છે. આ મામલે એપ્રિલમાં સુનાવણી થવાની છે.

    ત્રણ પેઢીથી બર્ક પરિવાર કરી રહ્યો હતો વીજચોરી

    નોંધનીય છે કે બર્ક પર વીજ ચોરીનો પણ આરોપ છે. ડિસેમ્બર 2024માં વીજ વિભાગની ટીમ બર્કના ઘરે તપાસ માટે પહોંચીને સ્માર્ટ મીટર લગાવ્યા હતા. ત્યારપછી સામે આવ્યું હતું કે બર્કના ઘરે ત્રણ પેઢીઓથી વીજ ચોરી થઈ રહી છે.

    બીજી તરફ ગત વર્ષે નવેમ્બરમાં સંભલ જામા મસ્જિદના સર્વેક્ષણ દરમિયાન થયેલી હિંસાના સંદર્ભમાં પોલીસ ઝિયાઉર રહેમાન બર્કને પૂછપરછ માટે નોટિસ મોકલવાની છે. આ હિંસામાં 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ઘણા પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.