સંભલ હિંસા (Sambhal Violence) મામલે બેલિસ્ટિક રિપોર્ટ (Ballistics Report) સામે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મીડિયામાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. પ્રથમ તો ગોળીબાર ગેરકાયદેસર હથિયારોથી કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. વધુમાં એવું પણ કહેવાયું છે કે, આ દરમિયાન પોલીસે કોઈ ફાયરિંગ કર્યું નહોતું.
ઇન્ડિયન એક્સપ્રેસે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, સંભલ હિંસા બાદ મળેલા ખાલી શેલ અને હથિયારોની બેલિસ્ટિક તપાસના મુખ્ય તારણો પૈકી એક આ છે. સૂત્રોના હવાલેથી એ પણ કહેવામાં આવ્યું છે કે, સંભલ પોલીસને બેલિસ્ટિક રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, હિંસા દરમિયાન ગેરકાયદેસર હથિયારોથી જ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીઓના કબજામાંથી કથિત રીતે હિંસા દરમિયાન વાપરવામાં આવેલા હથિયારો પણ પોલીસ પ્રશાસને જપ્ત કરી લીધા છે. આ ઉપરાંત હિંસા બાદ ઘટનાસ્થળ પરથી ખાલી ખોખા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.