કાશ્મીરમાં સેનાએ ‘ઑપરેશન કેલર’ શરૂ કર્યું છે. જે હેઠળ કાશ્મીર ઘાટીમાં રહેલા આતંકીઓનો સફાયો કરવાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાઇફલ (RSS) દ્વારા ત્રણ આતંકીઓને ઠાર કરવાના સમાચાર સામે આવ્યા હતા. હવે તે ત્રણેયની ઓળખ પણ સામે આવી છે. ઠાર થયેલા આતંકીઓમાં શાહિદ, અદનાન શફી અને હારિસ નઝીર સામેલ છે. આ ત્રણેય આતંકીઓ મૂળ કાશ્મીરના છે.
આતંકી શાહિદ કુટ્ટે શોપિયાંના ચોટીપોરા હિરપોરાનો રહેવાસી હતો. 8 માર્ચ, 2023ના રોજ તે લશ્કર-એ-તૈયબામાં સામેલ થયો હતો. શાહિદ 8 એપ્રિલ, 2024ના રોજ ડેનિશ રિસોર્ટ ગોળીબાર (2 જર્મન પ્રવાસી, 1 ડ્રાઈવર ઘાયલ), 18 મે, 2024ના રોજ ભાજપ સરપંચની હત્યામાં સામેલ હતો. 3 ફેબ્રુઆરી, 2025ના રોજ કુલગામના બેહીબાગ ખાતે પ્રાદેશિક સૈન્યના કર્મચારીઓની હત્યામાં પણ તે સામેલ હોવાની શંકા હતી.
બીજો આતંકવાદી અદનાન શફી શોપિયાંના વંદુના મેલહોરાનો રહેવાસી હતો. તે 18 ઑક્ટોબર, 2024ના રોજ શોપિયાંના વાચીમાં સ્થળાંતરીત શ્રમિકની હત્યામાં સામેલ હતો. આ ઉપરાંત ત્રીજો આતંકી હારિસ નઝીર છે. આ તમામ આતંકીઓ શુક્રુના જંગલમાં માર્યા ગયા હતા. આ પહેલાં ખબર આવી હતી કે, ત્રણ આતંકીઓને સેનાએ ઘેરી લીધા છે.