કેન્દ્રીય કેબિનેટે ‘રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા’ના (RBI) નવા ગવર્નરની પસંદગી કરી લીધી છે. સંજય મલ્હોત્રા (Sanjay Malhotra) RBIના નવા ગવર્નર (RBI Governor) બનશે. તેઓ શક્તિકાંત દાસનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ 10 ડિસેમ્બરે પૂરો થવાનો છે. મલ્હોત્રા હાલમાં રેવન્યુ સેક્રેટરી છે. તેમણે બજેટ 2024 તૈયાર કરવામાં પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.
સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના IAS અધિકારી છે. તેઓ મૂળ રાજસ્થાનના છે. ઑક્ટોબર 2022માં તેમની નિમણૂક મહેસૂલ વિભાગમાં થઈ હતી. આ પહેલાં તેઓ નાણાકીય સેવા વિભાગમાં સચિવ હતા. તેઓ સરકારી કંપની REC લિમિટેડના ચેરમેન અને એમડી પણ રહી ચૂક્યા છે.
મલ્હોત્રા 11 ડિસેમ્બરના રોજ RBIના ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળશે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. તેઓ RBIના 26મા ગવર્નર તરીકે સેવા આપશે. મલ્હોત્રા રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સ્તરે ફાઇનાન્સ અને ટેક્સેશનમાં કુશળતા ધરાવે છે.
મલ્હોત્રાએ IIT કાનપુરમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી જાહેર નીતિમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. ત્રણ દાયકાની તેમની કારકિર્દીમાં, મલ્હોત્રાએ પાવર, ફાઇનાન્સ, ટેક્સેશન, આઇટી અને ખાણ જેવા વિભાગોમાં સેવા આપી છે