જર્મનીના ફ્રેન્કફ્રુટથી ઉપડીને હૈદરાબાદ આવવા માટે રવાના થયેલી લુફ્થાંસા એરલાઈન્સની ફ્લાઇટને યુ-ટર્ન લઈને ફરીથી ફ્રેન્કફ્રુટ એરપોર્ટ પર જ લેન્ડ કરાવવાની ફરજ પડી હતી. કારણ બૉમ્બની ધમકી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ફ્લાઇટ LH752 ફ્રેન્કફ્રુટથી ઉપડી હતી અને હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. પરંતુ અડધે જઈને વિમાનને ફરીથી ફ્રેનફ્રુટ જવું પડ્યું. એરલાઈન્સે જણાવ્યું કે તેમને હૈદરાબાદ લેન્ડ કરવાની પરવાનગી આપવામાં ન આવી અને ત્યારબાદ ફ્લાઇટ પરત લઈ જવી પડી.

પછીથી હૈદરાબાદ એરપોર્ટ દ્વારા પણ ઘટનાક્રમની પુષ્ટિ કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે વિમાન ભારતીય હવાઈક્ષેત્રની બહાર હતું ત્યારે બૉમ્બની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ પરવાનગી ન અપાતાં વિમાન ભારતીય હવાઈક્ષેત્રમાં પ્રવેશ્યું જ નહીં અને પરત મોકલી દેવામાં આવ્યું.
ફ્લાઇટ જર્મનીના એરપોર્ટથી રવિવારે બપોરે 2:15 કલાકે (ભારતમાં સાંજે 5:44) ઉપડીને હૈદરાબાદમાં સવારે 6:00 કલાકે પહોંચવાની હતી. પરંતુ અડધેથી જ પરત મોકલવી પડી.
બૉમ્બની ધમકી વિશે હજુ વધુ જાણકારી મળી શકી નથી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.