Wednesday, June 25, 2025
More

    PSGની ફૂટબોલ ટુર્નામેન્ટમાં જીત બાદ પેરિસમાં ‘ભયાનક ઉજવણી’: હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા, વાહનો સળગાવીને ફેલાવી અરાજકતા

    31 મે, 2025ના રોજ પેરિસ (Paris) સ્થિત ફૂટબોલ ક્લબે (PSG) પોતાનો પહેલો UEFA ચેમ્પિયન્સ લીગ ખિતાબ જીત્યો હતો. જેના કારણે ટીમના પ્રશસંકો વધારે પડતાં ઉત્સાહિત થઈ ગયા હતા અને કાયદો પોતાના હાથમાં લઈને અરાજકતા પર ઉતરી આવ્યા હતા. લુઈસ એનારીક અને તેના સાથીઓની ઐતિહાસિક જીત બાદ આખા પેરિસમાં હિંસા ભડકી ઉઠી હતી અને સમર્થકોએ જોખમી ફટાકડા ફોડી, વાહનો સળગાવીને ઉજવણી કરી હતી. 

    પેરિસ સેંટ-જર્મનની જીત બાદ અરાજકતા ફેલાવનારા લગભગ 300 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મ્યુનિખમાં ઇન્ટર મિલાન વિરુદ્ધ 5-0ની જીત બાદ ચેમ્પસ-એલિસીસ એવન્યુ અને પાર્ક ડેસ પ્રિન્સેસ સ્ટેડિયમ પાસે વિસ્ફોટક આતશબાજી રાખવા અને સાર્વજનિક અવ્યવસ્થા ફેલાવવાના ગુના હેઠળ આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

    PSGના હોમ ગ્રાઉન્ડ, પાર્ક ડેસ પ્રિન્સેસ પાસે ઘણા સ્થળો પર આગ લગાવવામાં આવી હતી. વધુમાં ઉત્પાતીઓએ વાહનોને આગ હવાલે કર્યાં હતા અને પોલીસ પર પણ હુમલા કર્યાં હતા. ટોળાંને નિયંત્રણમાં લેવા માટે પોલીસે પાણીનો મારો ચલાવ્યો હતો અને ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા. નોંધવા જેવું છે કે, PSGએ ઇન્ટરને 5-0થી હરાવીને ટ્રોફી જીતી છે.