મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન મહાયુતિ કોઈ મુખ્યમંત્રીના ચહેરા સાથે લડી રહ્યું નથી. આ બાબતે પ્રશ્ન કરવામાં આવતાં ગૃહમંત્રી શાહે રવિવારે (10 નવેમ્બર) પત્રકારોને જણાવ્યું હતું કે પૂર્ણ બહુમતીથી જીત મેળવ્યા બાદ તમામ પક્ષો સાથે મળીને આ બાબતે નિર્ણય કરશે.
રવિવારે ગૃહમંત્રી શાહે ભારતીય જનતા પાર્ટીનું ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું. આ કાર્યક્રમમાં તેમને સીએમ ચહેરા વિશે પૂછવામાં આવ્યું.
જવાબમાં તેમણે કહ્યું કે, “હાલમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી છે. ચૂંટણી બાદ તમામ ત્રણ પાર્ટીઓ ભેગી મળીને મુખ્યમંત્રી પર નિર્ણય કરશે.”
નોંધવું જોઈ કે મહાયુતિની સામે લડતી મહાવિકાસ આઘાડી પણ આ વખતે કોઈ મુખ્યમંત્રી ચહેરા સાથે લડી રહી નથી. જોકે, તાજેતરમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આઘાડીની ગાડીમાં ડ્રાઇવર બનવા માટે ખેંચતાણ ચાલી રહી છે.
મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી, શિવસેના (એકનાથ શિંદે) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP અજિત પવાર) છે. જ્યારે મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ જૂથ) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP શરદ પવાર) સભ્યો છે.
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. 23 નવેમ્બરે પરિણામો ઘોષિત થશે.