લોકસભામાં વક્ફ સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે તથ્યો સાથે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, સરકાર વક્ફ કાયદાને પારદર્શી અને દૂષણોથી મુક્ત બનાવવા માટે આ સંશોધિત કાયદો લાવી છે. સાથેસાથે તેમણે મુસ્લિમોને ભડકાવવા બદલ કોંગ્રેસ અને સાથી વિપક્ષોને આડેહાથ લીધા.
અમિત શાહે કહ્યું હતું કે, “વક્ફ એક અરબી શબ્દ છે, વક્ફનો ઈતિહાસ કેટલાક હદીસો સાથે જોડાયેલો છે. આજના સમયમાં વક્ફનો ઉપયોગ એ સંદર્ભમાં કરવામાં આવે છે કે અલ્લાહના નામે સંપત્તિનું દાન, પવિત્ર મજહબી ઉદ્દેશ્યો માટે સંપત્તિનું દાન.”
Speaking in the Lok Sabha on The Waqf (Amendment) Bill, 2025. https://t.co/32ZsznVTL5
— Amit Shah (@AmitShah) April 2, 2025
તેમણે કહ્યું હતું કે, “વક્ફ એક પ્રકારનું ચેરીટેબલ એન્ડોર્મેન્ટ છે. જ્યાં એક વ્યક્તિ સંપત્તિ, ભૂમિ અથવા મૂલ્યવાન સંપત્તિ મજહબી કે સામાજિક ભલાઈ માટે દાન કરે છે, તેને પરત મેળવવાના ઉદ્દેશ્ય વગર દાન આપવામાં આવે તેને વક્ફ માનવામાં આવે છે.”
તેમણે દાન પર ભાર આપતા કહ્યું કે, “આમાં દાન શબ્દનું ઘણું મહત્વ છે, દાન એ જ વસ્તુનું કરી શકાય છે, જે આપણું હોય. સરકારી સંપત્તિનું દાન હું ન કરી શકું, કોઈ બીજાની સંપત્તિનું દાન હું ન કરી શકું. દાન એ જ વસ્તુનું કરી શકાય છે જે પોતાનું હોય. બીજાની કે સરકારી સંપત્તિ દાનમાં ન આપી શકાય. સમગ્ર વિવાદ આ મુદ્દાનો જ છે.”