Saturday, March 1, 2025
More

    મણિપુરની સુરક્ષા મુદ્દે અમિત શાહે કરી બેઠક: 8 માર્ચથી તમામ રસ્તાઓ ખોલાશે, ડ્રગ્સ નેટવર્કને જડમૂળમાંથી ખતમ કરવા પોલીસને આદેશ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે (1 માર્ચ) નવી દિલ્હી ખાતે એક અગત્યની બેઠક યોજી, જેમાં મણિપુરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ ગૃહમંત્રીએ પ્રથમ વખત બેઠક કરી હતી. 

    બેઠકમાં ગૃહમંત્રી શાહે 8 માર્ચથી રાજ્યના તમામ રસ્તાઓ ખોલવાનો આદેશ આપ્યો છે. નાગરિકો રાજ્યના તમામ માર્ગો પર ફ્રી મૂવમેન્ટ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત જે કોઈ પણ અવ્યવસ્થા સર્જવાનો પ્રયાસ કરે તેની સામે કડક હાથે કામ લેવા માટે પોલીસને આદેશ આપવામાં આવ્યા છે. 

    સરહદી સુરક્ષા મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી. જેમાં ગૃહમંત્રીએ આંતરરાષ્ટ્રીય સરહદ પર ચાલી રહેલા ફેન્સિંગના કામમાં ઝડપ લાવવા પર ભાર મૂક્યો. ઉલ્લેખનીય છે કે ઘૂસણખોરી રોકવા માટે સરકાર આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર ફેન્સિંગ કરી રહી છે. 

    મણિપુરને ડ્રગ ફ્રી બનાવવાની દિશામાં પણ રાજ્યની પોલીસ કામ કરી રહી છે. ગૃહમંત્રીએ સમીક્ષા બેઠકમાં ડ્રગ ટ્રેડના સમગ્ર નેટવર્કને ખતમ કરવાની દિશામાં કામ કરવા માટે પોલીસને નિર્દેશ આપ્યા છે. જ્યારે જુદાં-જુદાં જૂથો દ્વારા જે હથિયારોની તસ્કરી કરવામાં આવી રહી છે તેની ઉપર પણ મોટાપાયે કાર્યવાહી કરવામાં આવશે. 

    ગૃહ મંત્રાલયનું કહેવું છે કે તેઓ મણિપુરમાં જનજીવન વહેલી તકે સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છે. 

    બેઠકમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ, મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા, મણિપુર સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અજય કુમાર ભલ્લા અગાઉ ગૃહ સચિવ હતા અને અમિત શાહ સાથે કામ કરી ચૂક્યા છે. નિવૃત્તિ બાદ તાજેતરમાં જ તેમની નિમણૂક મણિપુરના ગવર્નર તરીકે કરવામાં આવી.