બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હિંદુઓની સ્થિતિ પર કાયમ ઉઠતા સવાલો વચ્ચે એક હિંદુ મહિલા સાથે રેપ થયાની ઘટના સામે આવી છે. ઘટનામાં આરોપી ફજોર અલી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનો (BNP) નેતા છે. આરોપ છે કે તે ઘરમાં ઘૂસી ગયો હતો અને ચાકુની અણીએ હિંદુ મહિલાનો રેપ કર્યો હતો.
ઘટના કમિલા જિલ્લાના એક ગામની છે. પીડિતા માત્ર 21 વર્ષની છે અને 2 બાળકોની માતા છે. તેનો પતિ દુબઈમાં રહે છે અને યુવતી 2 અઠવાડિયાંથી તેના વતન રહેતી હતી. ત્યારથી જ ફજોર અલી તેનો પીછો કરી રહ્યો હતો.
ગુરુવારે (26 જૂન) જ્યારે પરિવારના અન્ય સભ્યો બહાર ગયા ત્યારે આરોપી ઘરમાં ઘૂસી આવ્યો હતો અને ચાકુની અણીએ રેપ કર્યો હતો. જ્યારે પીડિતાએ મદદ માટે બૂમાબૂમ કરી તો તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોની મદદથી પીડિતાને સ્થાનિક હૉસ્પિટલ લઈ જવામાં આવી. ઘટનાનો એક આપત્તિજનક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ મામલે મહિલાએ શુક્રવારે (27 જૂન) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ મામલે એક કેસ દાખલ કરવામાં આવ્યો. પોલીસે પીડિતાનો અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ રવિવારે આરોપી ફજોર અલીની પણ ધરપકડ કરી લેવામાં આવી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફજોર અલી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનો સ્થાનિક નેતા છે.