Friday, April 4, 2025
More

    કેનેડામાં વધુ એક હિંદુ મંદિરમાં તોડફોડ: બે શંકાસ્પદો CCTC ફૂટેજમાં કેદ, પોલીસ તપાસ શરૂ

    કેનેડામાં (Canada) વધુ એક હિંદુ મંદિરમાં (Hindu Temple) તોડફોડ (Vandalised) થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ઑન્ટારિયા પોલીસ ગ્રેટર ટોરેન્ટો વિસ્તારમાં શ્રી કૃષ્ણ વૃંદાવન મંદિરમાં તોડફોડ કરનારા બે લોકોને શોધી રહી છે. કેનેડિયન મીડીયા આઉટલેટ હેલ્ટન સાથે વાત કરતા એક અધિકારીએ આ ઘટનાને શરારતપૂર્ણ ગણાવી હતી.

    ગુરુવારે (3 એપ્રિલ) કેનેડિયન પોલીસે જણાવ્યું હતું કે, તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. પોલીસે તે પણ જણાવ્યું હતું કે, આ ઘટના રવિવારે બનવા પામી હતી. વધુમાં અધિકારીએ તે પણ જણાવ્યું હતું કે, સુરક્ષા ફૂટેજમાં બે શંકાસ્પદો જોવા મળ્યા હતા. જેમાં તેઓ શ્વેત દેખાઈ રહ્યા છે અને હૂડ સ્વેટશર્ટ પહેરેલા જોઈ શકાય છે.

    ફૂટેજમાં જોઈ શકાય છે કે, તે વિસ્તારના એક પબમાંથી નીકળીને તેઓ મંદિર તરફ જઈ રહ્યા હતા. જ્યાં તેમણે મંદિરના પ્રવેશદ્વાર પર લાગેલા એક બોર્ડને તોડી પાડ્યું હતું અને તોડફોડ કરી હતી. તેમની ઓળખ મેળવવા માટે પોલીસે તેમની તસવીર જારી કરી છે. મંદિરના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના હિંદુઓ વિરુદ્ધ ઘૃણિત અપરાધને દર્શાવે છે. આ સિવાય તેમણે મંદિર પર હુમલાની પાછલી ઘટનાઓ પણ જોડી હતી.

    નોંધનીય છે કે, કેનેડામાં છેલ્લા ઘણા સમયથી મંદિરો પર હુમલાની ઘટનાઓ સામે આવતી રહી છે. મોટાભાગે આ કામ ખાલિસ્તાની સમર્થક કટ્ટરપંથીઓ કરતા હોય છે. તાજેતરની ઘટનામાં હજુ સુધી ઘટના પાછળના કાવતરા સુધી પહોંચી શકાયું નથી. હાલ કેનેડિયન પોલીસ તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.