Friday, December 6, 2024
More

    કેનેડામાં મંદિરો પર હુમલા બાદ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન: કેનેડા હાઈકમિશન સામે એકઠા થયા હિંદુ શીખ ગ્લોબલ ફોરમના કાર્યકર્તાઓ, લગાવ્યા ‘હિંદુ-શીખ એકતા જિંદાબાદ’ના નારા

    કેનેડામાં (Canada) હિંદુ સમુદાય અને મંદિરો પર હુમલા બાદ ભારતમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. રવિવારે (10 નવેમ્બર) દિલ્હીમાં હિંદુ શીખ ગ્લોબલ ફોરમના (Hindu Sikh Global Forum) સભ્યોએ દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં સ્થિત કેનેડાના હાઇકમિશન બહાર પ્રદર્શન (Protest) કર્યું હતું. 

    પ્રદર્શનના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં શીખ સમુદાયના લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને માર્ચ કરતા જોવા મળે છે. અમુક પ્લેકાર્ડ પણ પકડેલા જોવા મળે છે. 

    તેમણે ‘હિંદુ-શીખ એકતા જિંદાબાદ’ના પ્લેકાર્ડ લહેરાવ્યા હતા અને નારા પણ લગાવ્યા. અન્ય એક પોસ્ટર પર લખેલું જોવા મળે છે, ‘આવાજ દો…હિંદુ શીખ એક હૈ.’ એક બેનર પર લખ્યું હતું, ‘કેનેડામાં મંદિરો પર હુમલાઓ નહીં સાંખી લે ભારતીયો.’

    પ્રદર્શનને જોતાં દિલ્હી પોલીસે બેરિકેડ લગાવી દીધાં હતાં અને પ્રદર્શનકારીઓને આગળ વધતા રોક્યા હતા. દરમ્યાન, અમુકે બેરિકેડ હટાવવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ અને CRPFએ સ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી હતી. 

    તાજેતરમાં જ કેનેડામાં હિંદુ મંદિરો પર ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો. આ મામલે ખાલિસ્તાની શક્તિઓ હિંદુ-શીખ સમુદાયને વહેંચવાનાં કાવતરાં કરી રહી છે, પરંતુ બંને સમુદાયો એક થઈને ઘટનાઓનો વિરોધ કરી રહ્યા છે.