અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિજય બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર બનાવવાની તૈયારીમાં લાગ્યા છે અને તેમની નવી ટીમની ઘોષણા થઈ રહી છે. આ જ ક્રમમાં તેમણે નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટરની (National Intelligence) પણ નિમણૂક કરી. આ માટે પસંદગી કરવમાં આવી હિંદુ અમેરિકન તુલસી ગબાર્ડની (Tulsi Gabbard), જેઓ જાન્યુઆરીમાં આ પદ સંભાળશે.
43 વર્ષીય તુલસી ગબાર્ડ અગાઉ ડેમોક્રેટ પાર્ટીમાં હતાં. ત્યારબાદ પાર્ટી છોડીને તેમણે અગાઉ અપક્ષ ચૂંટણી પણ લડી હતી. ઑગસ્ટ, 2024માં તેમણે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કર્યું હતું. ગત 22 ઑક્ટોબરના રોજ તેઓ અધિકારિક રીતે રિપબ્લિકન પાર્ટીમાં સામેલ થયાં હતાં.
— Donald J. Trump (@realDonaldTrump) November 13, 2024
તેમના નામની ઘોષણા કરતાં ટ્રમ્પે કહ્યું કે, “20 વર્ષથી તુલસીએ રાષ્ટ્રની સુરક્ષા અને તેના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર તરીકે તેઓ પોતાના સાહસી સ્વભાવને ઇન્ટેલિજન્સ કોમ્યુનિટીમાં પણ લાવશે અને આપણા બંધારણીય અધિકારોની રક્ષા કરશે”.
તુલસી ગબાર્ડે 2004થી 2005 દરમિયાન ઇરાકમાં એર નેશનલ ગાર્ડમાં મેજર તરીકે કામ કર્યું હતું. હાલ તેઓ યુએસ રિઝર્વ આર્મીમાં લેફ્ટન્ટન્ટ કર્નલ છે.