ઉત્તર પ્રદેશના સંભલથી સમાજવાદી પાર્ટી સાંસદ ઝિયાઉર રહેમાન બર્કની એક અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દીધી છે. સાંસદે સંભલ હિંસા બાદ પોતાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR રદ કરવાની માંગ સાથે કોર્ટમાં અરજી કરી હતી.
કોર્ટે સપા સાંસદની આ અરજી ફગાવી દીધી છે અને FIR રદ કરવાનો ઇનકાર કર્યો છે. જોકે, બર્કને એટલી રાહત મળી છે કે પોલીસ હાલ તેમની ધરપકડ કરી શકશે નહીં. કોર્ટે ધરપકડ પર રોક લગાવી છે.
ઉલ્લેખનીય છે કે ગત 24 નવેમ્બરના રોજ સંભલની જામા મસ્જિદના સરવે દરમિયાન મુસ્લિમ ટોળાંએ અધિકારીઓ અને પોલીસ પર હુમલો કરી દીધો હતો અને ઉત્પાત મચાવ્યો હતો. ત્યારબાદ દાખલ કરવામાં આવેલ એક FIRમાં સાંસદ ઝિયાઉર રહેમાન બર્કનું પણ નામ સામેલ કરવામાં આવ્યું હતું અને આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે રાજકીય લાભ ખાટવા માટે ટોળાને ઉશ્કેરીને હિંસા કરાવી હતી.
હાઇકોર્ટે કહ્યું છે કે, સપા સાંસદ સામેની તપાસ ચાલુ રહેશે અને તેમણે પોલીસને સહયોગ પણ આપવો પડશે. પોલીસ તેમને નોટિસ ઇસ્યુ કરીને પૂછપરછ માટે બોલાવી શકશે.