એક તરફ ઇઝરાયેલ (Israel) અને હમાસ વચ્ચે માંડમાંડ યુદ્ધવિરામ સંધિ થઈ છે, તો બીજી તરફ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના (Hezbollah) એક ટોપ લીડર શેખ મહોમ્મદ અલી હમાદીની હત્યા કરી દેવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ હમાદીને લેબનાનના બેસ્કા ખાતેના તેના ઘરની બહાર જ ગોળીઓથી વીંધી નાંખ્યો. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો પરંતુ તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલો કરનારા વ્યક્તિઓ બે ગાડીઓમાં આવ્યા હતા. તેમણે ઘરની બહાર હમાદીને જોતાં જ તેના પર આડેધડ ગોળીઓ વરસાવી હતી. ગોળીઓ વાગતાં જ તે ફસડાઈ પડ્યો. તાત્કાલિક ધોરણે તેને સોહમોર ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં સુધીમાં તેનું પ્રાણપંખેરું ઉડી ચૂક્યું હતું. હત્યારાઓ પોતાનું કામ કરીને ભાગી છૂટ્યા હતા. હાલ આ મામલે સ્થાનિક પ્રશાસન તપાસ કરી રહ્યું છે.
આ હુમલા પાછળ કોનો હાથ છે અને હત્યા કરનારા ઈસમો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તે કારણ હજુ પણ અકબંધ છે. નોંધનીય છે કે હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ વિરામ પૂર્ણતાના આરે છે, તેવામાં આ હત્યા થતા પરિસ્થિતિ તંગ બની છે. હાલ સામે આવેલી માહિતી અનુસાર લેબનાની સેનાએ સ્થાનિક રસ્તાઓ બંધ કરીને શહેરની નાકાબંધી કરી દીધી છે.
હુમલાખોરોને પકડવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પશ્ચિમી બેકા સહિત અનેક જગ્યાએ મોબાઈલ ચેકપોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. સતત સર્ચ ઑપરેશન ચલાવીને હુમલાખોરોને શોધવામાં આવી રહ્યા છે. આ આખા ઘટનાક્રમ બાદ પણ હિઝબુલ્લાહે મૌન સેવી રાખ્યું છે. સંગઠન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા કે સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું.