Tuesday, June 24, 2025
More

    પૂર્વોત્તરમાં ભારે વરસાદથી સર્જાઈ તારાજી: પૂર અને ભૂસ્ખલનનાં કારણે 32નાં મોત, બચાવ કામગીરી સતત ચાલુ

    નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં ભૂસ્ખલન અને પૂરના કારણે ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઉત્તરી બાંગ્લાદેશ અને તેની નજીકના મેઘાલયમાં દબાણના કારણે થયેલા ભારે વરસાદથી પૂર્વોત્તરના 5 રાજ્યોમાં ભારે તારાજી સર્જાઈ છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક મકાનો ઘસી પડ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. તે સિવાય ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ છે. 

    અધિકારીઓ અનુસાર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં સમય પહેલાં જ ચોમાસું આવી જવાથી વિનાશકારી પરિણામો સામે આવ્યા છે. આસામમાં કુલ 9 લોકોના જીવ ગયા છે. તે સિવાય લખીમપુર જિલ્લામાં બે લોકોના મોત થયા છે, ગુવાહાટીના બોડા વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે ત્રણ બાળકો સહિત 5ના જીવ ગયા છે. 

    તે સિવાય અરુણાચલ પ્રદેશમાં પણ બે પરિવારના 7 સભ્યોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત મેઘાલયમાં પણ 7 લોકોના જીવ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. નાગાલેન્ડમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. છેલ્લા 24 કલાકમાં મિઝોરમમાં 6 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. જેમાંથી ત્રણ મ્યાનમારના નાગરિક હોવાનું સામે આવ્યું છે. હાલના સમય સુધીમાં પૂર્વોત્તરમાં ભારે વરસાદના કારણે 32 લોકોના જીવ ગયા હોવાનું કહેવાય રહ્યું છે. વધુમાં આ તમામ રાજ્યોમાં બચાવ કામગીરી સતત ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.